Jai Hind

ઓખાના મધદરિયે વધુ એક ટંડેલનું હાર્ટએટેકથી મોેત

હડમતીયાના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

હોળી પહેલા જ આકરા તાપ શરૂ થઈ ગયા છે. લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ઓખાના મધદરિયે વધુ એક ટંડેલનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. ઓખામાં ગુજરાત જેટી પાસે રહેતા તાન્યાભાઈ નાવજીભાઈ વારવી નામના 55 વર્ષના ટંડેલને ઓખા જેટી પાસેના દરિયામાં બોટમાં એકાએક છાતીમાં દુખાવો ઉપાડતા તેઓ જેટી પરત ફર્યા હતા. જ્યાંથી તેમની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું હતું. જે અંગે ઓખા મરીન પોલીસમાં જાણ કરવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે રહેતા સુમિત પાલાભાઈ પારીયા નામના 19 વર્ષના યુવાને ગઈકાલે શનિવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અનિલભાઈ પાલાભાઈ પારીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
રાવલ ગામેથી વિદેશી દારૂ ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર વિસ્તારમાં રહેતા કાના લખમણ ગામી નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છૂપાવવામાં આવ્યો હોવાથી આ અંગે સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં આ સ્થળેથી રૂ. 3,32,200 ની કિંમતની વિદેશી દારૂની 302 બોટલ તથા રૂપિયા 3,900 ની કિંમતના 12 ચપલા મળી આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે મોબાઈલ સહિત કુલ રૂપિયા 3,39,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી કાના લખમણ ગામી અંધારાનો ગેરલાભ લઈને નાસી છૂટવામાં સફળ થયો હતો. આ અંગે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.