Jai Hind

અમરેલીના ગુંદરણ ગામે ટ્રક પાછળ બાઇક ઘુસી જતા ત્રણના મોત, એક ગંભીર

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડયો
અમરેલી જિલ્લાનાં લીલીયા તાલુકામાં આવેલા ગુંદરણ નજીક આજે મોડી રાત્રિના સમયે અંધકારના કારણે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકના પાછળ બાઈક ઘૂસી જતાં આ ભયાનક દુર્ઘટનામાં એક બે કિશોર સહિત ત્રણ પરપ્રાંતીયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે લીલીયા દવાખાને ખસેડવામાં આવ્યો છે.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો મુજબ, પરપ્રાંતીય ખેત મજૂરો એક બાઈક પર ચાર સવારીમાં જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના અંધારામાં આગળ જઈ રહેલા એક ટ્રકના પાછળ બાઈક ઘૂસી ગયું હતું. બાઈક પર કુલ ચાર સવારી હતી, જેમાં બે કિશોર સહિત પણ સામેલ હતા. અથડામણ એટલી ભયાનક હતી કે બે કિશોર સહિત ત્રણેયના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ સાથે નજીકની અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકનું નામ સુનિલ સવેલસિંગ (ઉંમર અંદાજે 18 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામનારામાં જયેશ બરસિંગ (ઉંમર અંદાજે 17 વર્ષ), હેમરાજ સવેલસિંગ (ઉંમર અંદાજે 14 વર્ષ) અને રઈલેશ સવેલસિંગ (ઉંમર અંદાજે 12 વર્ષ)નો સમાવેશ થાય છે. ત્રણેય મૃતકો ખેત મજૂરી કરતા હતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સ્થાનિક જાણકારી મુજબ, આ પરિવાર છેલ્લા લગભગ ઘણાં વર્ષથી લીલીયા તાલુકા વિસ્તારમાં સ્થાયી થયો હતો અને ખેતી મજૂરી કરીને પોતાનો ગુજરાન ચલાવતો હતો. એક સાથે ત્રણ સભ્યોના અચાનક અવસાનથી આસપાસના વિસ્તારમાં ભારે કરુણાંતિકા છવાઈ ગઈ છે.
અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થાને સંભાળી હતી. મૃતકોની ઓળખ સહિતની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.