Jai Hind

વિસાવાડાના મૂળ દ્વારકાધીશ મંદિરને પ્રવાસન ધામમાં સામેલ કરવા માંગ

પુર્વ તાલુકા પંચાયત પ્રમુખે કેન્દ્રીય મંત્રી માંડવીયાને પત્ર પાઠવી રજૂઆત કરી

પોરબંદર તાલુકાના બરાડા વિસ્તારમાં આવેલ વિસાવાડા(મુળ દ્વારકા) નામક એક ગામ આવેલું છે. આ ગામ ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વનું છે. કહેવાય છે કે જુના જમાનામાં હિન્દુસ્તાનના દરેક રાજ્યોમાંથી યાત્રાએ આવતા પદયાત્રીઓ,સંઘો, સાધુસંતોને વિસાવાડા ગામના ભાવિક ભક્તજનો રોકીને ખાવાપીવાની, રોકાવાની તેમજ વિસામો લેવાની તમામ સગવડો કરી આપતા તથા તે સંઘોની તથા સાધુસંતોના રસાલાઓની હૃદય થી તથા મનના ભાવથી જે આગતા સ્વાગતા કરતા. બરડા પંથકમાં આવેલ આ વિસાવાડા ગામમાં મહેર સમાજની વધુ વસ્તી છે. મહેર જ્ઞાતિ શૂરવીરતા,બહાદુરી, બલીદાનો, શૌર્યતા અને દિલેરીમાં પંકાયેલી છે. તેવીજ રીતે ઈમાનદારી, ધર્મમય અને પરોપકાર મહેરબાની માટે પણ પંકાયેલી કોમ છે. ત્યારે આવી દિલેરી અને ધાર્મિકતાસભર આ મહેર જ્ઞાતિમાં વિસાવાડા ગામમાં એક મહાન ભક્ત થયેલા છે. તેઓનું નામ વિંઝાત ભગત હતું. વિસાવાડા ગામ મુળ દ્વારકાના નામથી પણ જાણીતું છે.
વિંઝાત ભગત કેશવાલા કે જેઓને નિરંજન નિરાકાર શ્રી કૃષ્ણ પરમાત્માએ સાક્ષાત્કાર દર્શન આપ્યા. એવા વિસાવાડા મુળ દ્વારકાધિશ મંદિરને પ્રવાસન ધામમાં આવરી લેવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ પરબતભાઈ કેશવાલાએ કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ મનસુખભાઈ માંડવીયાને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
પત્રમાં તેમણે જણાવ્યું છે કે વિસાવાડા ગામે આવેલ મુળ દ્વારકાધિશનું મંદિર અત્યંત પ્રાચીન અને પુરાતત્વ દૃષ્ટિએ મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે. અહીં હજારોની સંખ્યામાં વિવિધ રાજ્યોમાંથી યાત્રાળુઓ અને પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે. મંદિરનો ઇતિહાસ ઈ.સ. 1262 સુધી પહોંચે છે, જ્યારે વિંઝાત ભગત કેશવાલાને ભગવાન દ્વારકાધિશે પ્રસન્ન થઈ દ્વારકાથી વિસાવાડા આવીને બીરાજમાન થયા હોવાનું માનવામાં આવે છે. ત્યારથી વિસાવાડા ગામ મુળ દ્વારકા તરીકે ઓળખાય છે.
મંદિર સાથે અનેક આસ્થાઓ જોડાયેલી છે. ખાસ કરીને રાજસ્થાનના અમુક સમાજોમાં લગ્ન પહેલાં વર-વધૂ દ્વારા અહીં આવી ભગવાનના હાથે પાકી છાપ લગાવવાની પરંપરા આજે પણ જળવાઈ છે. મંદિરના પટાંગણમાં નાના-મોટા મળી કુલ 22 જેટલા અન્ય મંદિરો પણ આવેલ છે, જેના કારણે આ સ્થળનું ધાર્મિક મહત્વ વધુ વધે છે.
તેમ છતાં હાલ મંદિર આસપાસ પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓનો અભાવ હોવાનું તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ આવતા હોવા છતાં પૂરતી વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલીઓ ઊભી થાય છે. તેથી વિસાવાડા ગામ અને મુળ દ્વારકાધિશ મંદિરને સત્તાવાર રીતે પ્રવાસન ધામમાં સામેલ કરી જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાની માંગ કરવામાં આવી છે.
પત્રમાં વધુમાં ઉલ્લેખ છે કે વિસાવાડા ખાતે દરિયા કિનારે બીચ મંજૂર થયો છે તથા વિસાવાડાથી હર્ષદ સુધી આશરે 12 કિ.મી.નો કોરિડોર વિકાસ પામી રહ્યો છે. આવનારા સમયમાં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધવાની શક્યતા હોવાથી સમયસર આયોજન કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.આ આવેદનપત્રની નકલ કેબિનેટ મંત્રી અને પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.