Jai Hind

વેરાવળ બાયપાસમાં નવ નિર્મિત શિવાલયનો ત્રી-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સૂર્યકિરણોથી ઝળહળશે મંદિર – પથ્થરને બદલે પારદર્શક કાચનો અનોખો પ્રયોગ

આગામી તા.6 થી 8 માર્ચ દરમ્યાન વેરાવળ બાયપાસ ખાતે શહેર ના નવીન અને હાર્દ બની ધબકતા વિસ્તાર એવા નમસ્તે સર્કલ વિસ્તાર નજીક ભવ્ય નવનિર્મિત શિવ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ ત્રણ દિવસ ના મહોત્સવ માં અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.6 ના સાંજે રામ ધુન, તા.7 ના સાંજે રાસ ગરબા, તા.8 ના રાત્રીના કાન ગોપી રાસ, સહિતના આયોજન કરવામાં આવ્યા છે. વેરાવળ બાયપાસ ખાતે સોમનાથ ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત બીજ નિગમ ના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા ના નિવાસ સ્થાન પાસે ભવ્ય અને રમણીય નૂતન શિવ મંદિર બનાવાયું છે. આ શિવ મંદિર ની વિશેષતા કાંઈક અનોખી છે આ શિવાલય માં પાયાના નિર્માણ સીવાય પથ્થરનો ઉપયોગ થયો નથી જેમા દીવાલો માં મજબૂત પારદર્શક કાચનો ઉપયોગ કરાયો છે, સાથે આખું શિવાલય એરકન્ડિશન સાથે બનાવાયું છે. તેના નિર્માણમાં પૂર્વ ધારાસભ્ય અને બીજ નિગમ ના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા ના માર્ગદર્શન હેઠળ આસપાસ ની દરેક સોસાયટીના રહીશોએ ભારે ઉત્સાહ સાથે તન, મન, અને ધન થી જોડાઈને આ મંદિર નું નિર્માણ કર્યું છે. ત્યારે આગામી તા.6 થી 8 માર્ચ દરમ્યાન મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે આ ધર્મકાર્ય માં જોડાવા અને દેવાધિદેવ મહાદેવ ના આગમન ના દર્શન કરવા સમગ્ર પંથક ના શિવભક્તોને શિવાલયના પ્રણેતા રાજશીભાઇ જોટવા તેમજ આસપાસના સોસાયટીના રહીશો દ્વારા આ ભાવભર્યું સહપરિવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.