Jai Hind

ભક્તો ભાવ વિભોર બન્યા કોડીનારના રામજી મંદિરે વ્રજના હોળી રસિયા ઉત્સવની ઉજવણી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આવેલા ઐતિહાસિક રામજી મંદિર ખાતે સતત બીજા વર્ષે વ્રજનો સુપ્રસિદ્ધ અને પરંપરાગત ‘હોળી રસિયા’ ઉત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. ફાગણ માસના આગમન પૂર્વે આયોજિત આ મહોત્સવમાં રાત્રે 10 થી 12 વાગ્યા સુધી ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો હતો, જેમાં સેંકડો ભાવિકો ઉમટી પડ્યા હતા. હવેલીના મહારાજશ્રી અને નવનીતપ્રિયાજીના મુખ્યાજી રાજુભાઈ વ્યાસ તથા તેમની ટીમ દ્વારા સંગીતના સથવારે અષ્ટ રસિયાના પદોનું ગાન કરવામાં આવ્યું હતું. વ્રજભાષામાં ગવાયેલા આ પદો દ્વારા ઠાકોરજી અને શ્રીનાથજી બાવાને પ્રસન્ન કરવામાં આવ્યા હતા. શ્રીશ્યામ સુંદર અને રાધાજીના રાસનું સુંદર વર્ણન કરતા આ ‘રસિયા’ સાંભળી હાજર શ્રદ્ધાળુઓ ભાવ-તરબોળ બન્યા હતા.ઉત્સવ દરમિયાન રામજી મંદિરનું પરિસર ગોકુળ-મથુરા જેવું ભક્તિમય બની ગયું હતું. ઠાકોરજી સમક્ષ પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને અબાલ-વૃદ્ધ સૌ કોઈ ગોપ-ગોપી ભાવે મન મૂકીને ઝૂમ્યા હતા. આ પ્રસંગે શ્રીનાથજીથી ખાસ મંગાવવામાં આવેલી ઠંડાઈ તેમજ મોતીચૂરના લાડુ, ફરાળી ચેવડો અને મલાઈ પેંડાનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. રસિયા ગાન વિશે મુખ્યાજી રાજુભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓના ભાવમાંથી જે રસ નિષ્પન્ન થાય છે તેને ‘રસિયા’ કહેવાય છે. ઠંડાઈમાં ઉમેરવામાં આવતા વિવિધ તત્વો જેમ મિશ્રિત થઈ નવો સ્વાદ આપે છે, તેમ કાન, અષ્ટગોપી અને રાધાજીના ભાવો પ્રગટ થઈ જે ભક્તિનો રસ બને તે જ ‘રસિયા’. આ મહોત્સવમાં વિવિધ ફુલરૂપી રંગોની છોળો અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સમગ્ર કોડીનાર પંથકમાં આનંદ અને પ્રમોદની લહેર જોવા મળી હતી.આ કાર્યક્રમ ને સફળ બનાવવા મંદિર ના પૂજારી વિપુલભાઈ પંડ્યા સહિતના વૈષ્ણવોએ ભારે જહેમત ઉઠાવી હતી.