Jai Hind

વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સહભાગી થયાં

શિક્ષણ રાજ્ય મંત્રી મતી રીવાબા જાડેજાએ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં.
આ પાવન અવસરે મંત્રીએ મુરલીધર મહારાજના નવનિર્મિત મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ મુરલીધર મહારાજની નગરચર્યામાં સહભાગી થઈને અલૌકિક દર્શનનો લાભ લીધો હતો. 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ પૂર્ણાહુતિ મહોત્સવમાં મંત્રીએ દર્શન કર્યા હતા.
શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રીએ પચ્છેગામ ખાતે ભવ્ય આયોજન બદલ સમગ્ર કમિટીને શુભેચ્છા પાઠવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક સમયમાં એ.આઇ. ની સાથે આધ્યમિક્તાનું બળ ખૂબ જ જરૂરી છે. દરેક પ્રશ્નોનું સમાધાન ગીતામાં રહેલું છે. મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી ઇતિહાસ જાણવાનો અવસર પ્રાપ્ત થાય છે.
વધુમાં મંત્રીએ નવી પેઢીમાં સંસ્કાર આધારિત શિક્ષણ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રીય ચેતનાના વિકાસ માટે આવા ધાર્મિક-સામાજિક આયોજનો અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. મહોત્સવ પ્રસંગે આયોજકો દ્વારા રાજ્ય મંત્રીનું ખેસ અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રીનું સાધુ સંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, પદ્યુમનસિંહ ગોહિલ, હરેન્દ્રસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો સંતો-મહંતો તેમજ વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યાં હતા.