Jai Hind

સોરઠની પરંપરા મુજબ ગિરનાર પર્વત અને દાતારના ડુંગરે હોળી પ્રગટ્યા બાદ જિલ્લામાં ઠેરઠેર હોળી પ્રજવલિત થઈ

ગિરનાર પર અંબાજી મંદિરે 11,000 થી વધુ શ્રીફ્ળ, અને ઉપલા દાતાર પર ગૌશાળાના છાણાની હોળી પ્રજવલિત કરાઈ

જૂનાગઢના ગિરનાર પર્વત પર 3500 ફૂટની ઉંચાઈએ અંબાજી મંદિર પરિસર ખાતે અને ત્યારબાદ ઉપલા દાતાર ખાતે 2800 ફૂટની ઉચાઈએ હોળી પ્રગટાવવામાં આવ્યા બાદ, સંપૂર્ણ ભાવ ભક્તિ સાથે જુનાગઢ મહાનગર સહિત સમગ્ર સોરઠ પંથકમાં આજે હોળી પ્રજવલિત કરવામાં આવી હતી, અને ભાવિકોએ, હોળીના દર્શન કર્યા હતા.
સોરઠની એક પરંપરા મુજબ આજે હોળીના દિવસે પ્રથમ હોળી ગિરનારના અંબાજી મંદિર ખાતે, ત્યારબાદ દાતારના ડુંગરે દાતાર બાપુની જગ્યા પરિસરમાં હોળી પ્રગટ્યા બાદ સમગ્ર જિલ્લામાં હોળી પ્રગટાવામાં આવે છે. દરમિયાન આજે પંચાંગ મુજબ સોમવારે હોળીનો તહેવાર હોય ત્યારે ગિરનાર ઉપર 5000 પગથીયા ખાતે 3500 ફૂટની ઉંચાઈએ સ્થિત અંબાજી મંદિરે માતાજીની સાંજની આરતી સંપન્ન થયા બાદ 7:45 કલાક બાદ અંબાજી મંદિર પરિસર ખાતે 11,000 થી વધુ શ્રીફ્ળ, છાણા અને થોડા કાસ્ટની હોળી પ્રગટાવવામાં આવી હતી.
આ બાદ દાતારના ડુંગરે 2800 ફૂટની ઉચાઈએ ઉપલા દાતારની જગ્યાના પરિસરમાં દાતારની ગૌશાળાના છાણાંની હોળી પ્રગટાવવામાં આવી હતી, આમ ગિરનાર અને દાતાર પર્વત ઉપર.પરંપરાગત રીતે બે સ્થળે હોળી પ્રગટાવવામાં આવી હતી અને ત્યાર બાદ ભવનાથ તળેટી, જુનાગઢ શહેર અને સમગ્ર સોરઠમાં ઠેર-ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી.
જુનાગઢ શહેરમાં અંદાજે 300 થી વધુ સોસાયટી, એપાર્ટમેન્ટ, ચોકમાં હોલિકા દહન કરવામાં આવે છે, આ સાથે, જિલ્લાના તમામ શહેરો અને ગામ્ય વિસ્તારોમાં એકથી લઈને અનેક જગ્યાઓ પર હોલિકા દહનના ધાર્મિક કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે, ભાવિકો હોળીની પ્રદિક્ષણા કરી રહ્યા છે, આ વર્ષે જન્મેલા નવ જાત શિશુઓની વાડ રંગેચંગે કરવામાં આવી રહી છે, તો નવ પરણિત દંપતી પણ હોળીની પ્રદિક્ષણા અને દર્શન કરવા ઉત્સાહ પૂર્વક પહોંચ્યા છે.