ઘરે એકલી હતી ત્યારે આરોપી ઘૂસ્યો, પરિવારે પકડી પોલીસને સોંપ્યો
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં એક યુવતી સાથે છેડતી અને બળજબરીનો પ્રયાસ કરવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ઉના પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો છે.પોલીસ ફરિયાદ મુજબ, ઉના શહેરમાં રહેતી 23 વર્ષીય યુવતી ની ઓળખાણ આરોપી ફરાન હનીફભાઈ શેખ (મૂળ રહેવાસી ઉના, હાલ રહે. ચાયકવડ ગામ) સાથે અઢી વર્ષ પહેલા એકેડેમીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. ત્યારબાદ મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા મારફતે બંને વચ્ચે સંપર્ક રહ્યો હતો. ફરિયાદ અનુસાર, આરોપી ફરાન યુવતી પર વારંવાર મળવા દબાણ કરતો હતો અને શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો, જેનો યુવતીએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો તા. 01 માર્ચ, 2025ના રોજ બપોરના સમયે યુવતી ઘરે એકલી હતી. આ તકનો લાભ લઈ આરોપી ફરાન તેના ઘરે પહોંચી ગયો હતો. ઘરમાં અન્ય કોઈ સભ્ય હાજર ન હોવાથી આરોપીએ પ્રવેશ કરી યુવતીની ઇચ્છા વિરુદ્ધ અયોગ્ય વર્તન કરી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ આ કૃત્યનો પ્રતિકાર કર્યો હતો.તે જ સમયે યુવતીના પરિવારજનો ઘરે આવી પહોંચ્યા હતા, જેના કારણે આરોપીને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. પરિવારજનો અને સબંધીઓએ આરોપી ફરાન શેખને ઉના પોલીસ સ્ટેશન પર લાવ્યા હતા.પોલીસ સ્ટેશનમાં યુવતીએ પોતાની આપવીતી જણાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.આ બનાવ અંગે ઉના પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023ની કલમ 64(1), 75(2),78(2), 62અને 329(3) હેઠળ ગુનો નોંધી આરોપી ફરાન હનીફભાઈ શેખની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.