રવિવાર સુધી તાપમાન નોર્મલ કરતા 5 ડિગ્રી વધુ રહેવાની હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલની ચેતવણી : રાજકોટમાં લૂનો અહેસાસ કરતા લોકો
સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ઉનાળો વ્હેલો આવી ગયો હોય તેમ કેટલાંક દિવસોથી તાપમાનમાં વૃદ્ધિ સાથે તે નોર્મલ કરતાં ઉંચુ જ પ્રવર્તી રહ્યું છે ત્યારે આગામી રવિવારથી તાપમાન વધુ ઉંચકાશે અને પારો 40 ડીગ્રીને વટાવી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે ગત આગાહીમાં 4, 5 માર્ચે તાપમાન 39 ડીગ્રીને આંબી જવાનું કહ્યું હતું તે મુજબ ગઇકાલે રાજકોટ જેવા સેન્ટરોમાં પારો 39 ડીગ્રીને ક્રોસ કરી ગયો હતો. પ્રવર્તમાન સ્થિતિમાં નોર્મલ તાપમાન 34 ડીગ્રી ગણાય છે. અનેક સેન્ટરોમાં તે નોર્મલ કરતાં 3 થી 5 ડીગ્રી ઉંચુ પ્રવર્તી રહ્યું છે. જે તીવ્ર ગરમીનો માહોલ હોવાનું સૂચવે છે. ગઇકાલે 4 માર્ચ-ધૂળેટીના દિવસે રાજકોટનું મહતમ તાપમાન 39.2 ડીગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 38.6 ડીગ્રી, વડોદરામાં 38 ડીગ્રી, ગાંધીનગરમાં 38 ડીગ્રી, ડીસામાં 38.8 ડીગ્રી તથા અમરેલીમાં 38.3 ડીગ્રી હતું. સમગ્ર રાજ્યમાં રાજકોટનું તાપમાન સૌથી ઉંચુ રહ્યું હતું. તેઓએ તા.11મી માર્ચ સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે બે દિવસ બાદ ગરમીનો રાઉન્ડ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હાલ મહત્તમ તાપમાન નોર્મલ કરતાં 3 થી 5 ડીગ્રી ઉંચુ રહે છે. આગાહીના સમયગાળામાં પણ તે નોર્મલ કરતા વધુ જ રહેવાની શક્યતા છે. શનિવાર સુધી તાપમાન 37 થી 39 ડીગ્રીની વર્તમાન રેન્જમાં રહ્યા બાદ રવિવારથી તેમાં વધારો થઇ શકે છે. તા.8 થી 11 (રવિવારથી બુધવાર) તાપમાનનો પારો 40 ડીગ્રીને વટાવી શકે છે. મહત્તમ તાપમાન 39 થી 41 ડીગ્રીની રેન્જમાં આવી શકે છે. ઉનાળાની સિઝનમાં પ્રથમવાર તાપમાન 40 ડીગ્રીને વટાવી જશે અને અત્યધિક ગરમીનો માહોલ રહેવાની સંભાવના છે. તા.11 સુધીના સમયગાળાની આ આગાહી દરમ્યાન તાપમાન દિવસોમાં તાપમાન નોર્મલ કરતા ઉંચુ જ રહેવાની શક્યતા હોવાથી ગરમીનો માહોલ જ રહી શકે છે. દરમ્યાન આજની બપોર પણ ઉનાળા જેવી ગરમ રહેવા પામી હતી. આજે બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 36.8 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. જયારે, બપોરે હવામાં ભેજ 30 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 14 કી.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. બપોરે 2-30 કલાકે 36.8 ડીગ્રી તાપમાન સાથે 14 કી.મી. ઝડપે પવન રહેતા નગરજનોએ ઉનાળાના આરંભે જ ગરમ લૂનો અનુભવ કર્યો હતો.
જયારે આજે સવારથી જ ઠંડી સાવ ગાયબ થઈ ગઈ હતી અને મોડી સવારમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. માત્ર નલિયામાં 15.8 અને દિવમાં 18.8 ડીગ્રી લઘુતમ તાપમાનને બાદ કરતા રાજકોટ સહિત દરેક શહેરોમાં આજે સવારમાં 20થી 23 ડીગ્રી ઉપર લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.