અબોલ પક્ષીઓનો નિભાવ માટે 18 ખાંડી ઘઉં એકત્ર થયા:40 વર્ષ પહેલા શરૂ કરેલ સેવાયજ્ઞમાં આખા ગામે દાનરૂપી આહુતિ આપી હોળી પર્વની ઉજવણી કરી
ગૌમાતા તથા ગૌશાળા ના લાભાર્થે કાર્યક્રમો સાથે નવા વર્ષનો પ્રારંભ કરનાર તાલાલા તાલુકાનું સમૃદ્ધ અને સમરસ બોરવાવ ગીર ગામે અબોલ પક્ષીની ચણ માટે જરૂરી ફંડ એકત્ર કરી હોળી પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી.
ગામના અબાલ વૃદ્ધોના સંપૂર્ણ સાથ,સહકાર સાથે સેવાકીય કાર્યો કરતા પક્ષી પ્રેમી સેવકોએ હોળીના દિવસે રાત્રે દર્શન કરવા આવતા ભાવિકો તથા ધુળેટીના દિવસે ગામમાં ઘરે ઘરે ફરી અબોલ પક્ષીના નિભાવ માટે રૂ.2 લાખ 41 હજાર નું ફંડ તથા અંદાજે 18 ખાંડી ઘઉં એકત્ર કર્યા હતા.એકત્ર થયેલ ફંડ માંથી કબુતર,પોપટ,સુળા વિગેરે અબોલ પક્ષીઓને આખું વર્ષ ચણ નાખવામાં આવશે.બોરવાવ ગીર ગામના સેવાભાવી પક્ષી પ્રેમી સેવકોએ 40 વર્ષ પહેલા ગામમાં આવતા અબોલ પક્ષી નિભાવ માટે હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન ગોઠ ઉઘરાવવા પ્રેરણાદાયી સેવાયજ્ઞ શરૂ કર્યો છે.આ વર્ષે પણ આખા ગામના ભાવિકોએ સંપૂર્ણ સાથ,સહકાર સાથે સેવાયજ્ઞમાં દાનરૂપી આહુતી આપી હતી.
બોરવાવ ગીર ગામના અબોલ પક્ષી પ્રત્યેના પ્રેમને સૌએ આવકારી આયોજકોને બિરદાવ્યા હતા.