ગ્રાહકના ડોક્યુમેન્ટના આધારે બારોબાર લોન ઉપાડી લેતા ગુનો નોંધાયો
સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક મેટોડા શાખાના મેનેજરે ગ્રાહકોના ડોક્યુમેન્ટ વાપરી રૂ.34 લાખની લોન લઈ બેંક સાથે વિશ્વાસઘાત કરતાં ફરીયાદ નોંધાઈ હતી.
હોદાનો દુરુપયોગ કરી પોતે જ ગ્રાહક હોવાની કાગળમાં ઓળખ આપી કારખાનેદાર, બ્યુટી પાર્લર સંચાલક બની રૂપીયા પડાવ્યાં હતાં.
બનાવ અંગે હાલ જૂનાગઢમાં રહેતાં મૂળ કુતિયાણાના ખાગેશ્રી ગામના વતની જયંતિલાલ જીવણભાઈ ખાંટ (ઉ.વ.65) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દલસુખગીરી હરી ડઢાણીયા (રહે. પાટીદાર ચોક, શિલ્પન ઓનેક્સ સામે, રાજકોટ) નું નામ આપતાં મેટોડા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉ સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક (ગુજરાત ગ્રામિણ બેંક) રીજોયોનલ ઓફિસ જુનાગઢ ખાતે મેનેજર તરીકે વર્ષ 2019 માં ફરજ બજાવતા હતા, તે પહેલા મેટોડા જી.આઈ.ડી.સી. શાખા સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંકમાં મેનેજર તરીકે ડી.એચ.ડઢાણીયા ફરજ બજાવતા હતા.
દલસુખ ડઢાણીયા મેટોડા શાખામાં તા.28/01/2015 થી તા.17/03/2018 સુધી શાખા પ્રબંધક તરીકે ફરજ બજાવતા હતા. તે વખતે તેઓએ બોગસ ખાતા ખોલેલ હોવાની હકિકત ઓડીટમાં ધ્યાનમાં આવતા બેંકના વીજીલન્સ ડીપાર્ટમેન્ટએ તપાસ કરેલ અને આ બાબતે ફરિયાદ દાખલ કરવાની થતા ઉપરી અધિકારી તરફથી તેઓને ઓથોરાઈઝ અધિકારી તરીકે નિમણૂક કરેલ હતી. જે તે વખતે લોધીકા કોર્ટમાં ફોજદારી પરચુરણ અરજી ફરિયાદ દાખલ કરાવેલ હતી. જેમા કોર્ટએ તા. 31/01/2026 ના રોજ પોલીસમાં ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.
આરોપી દલસુખ દઢાણીયાએ રાજકોટના વિનોદભાઈ જમનભાઇ બુસાના નામે તેમના કોઇ દસ્તાવેજો કે કે.વાય.સી ડોક્યુમેન્ટ લીધા વિના તેમની જાણ બહાર રૂપિયા ત્રણ લાખની મર્યાદા વાળી કેશ ક્રેડિટ સુવિધા એકાઉન્ટ બેંકમાં ચાલુ કરી તા.30/12/2017 ના રૂ.90 હજાર રોકડા ઉપાડેલા અને રૂ.85 હજાર બાલાજી એન્જીનિયર્સ (શાપર) ના ખાતામાં જમા કરાવેલ ત્યાર બાદ તા.09/01/2018 ના રોજ રૂ.70 હજાર રોકડા મેળવી તા.21/02/2018 ના આ ખાતામાં રૂ.1.30 લાખ રોકડા જમા કરાવેલ હતા.
ત્યારબાદ ડી.એચ.દઢાણીયાની બદલી મેટોડાથી આણંદપર ખાતે થઈ જતા ત્યાથી તેઓએ રૂ.25 હજાર વિનોદભાઈ બુસાના ખાતામા જમા કરાવેલા તે પછી તેઓએ રૂ.20 હજારનો ચેક મોટી મોલડી શાખા (ચોટીલા) માંથી વટાવેલ, ત્યારબાદ મેનેજર તરીકે જીતેશભાઈ જોષી આવતા તેઓએ બાલાજી એન્જીનીયરીંગ શાપર ખાતે ઇન્સપેક્શનમા ગયેલ ત્યારે ધ્યાને આવેલ કે, આ બાલાજી એન્જીનીયરીંગના તેજશભાઈ હરીકાંતભાઈ પંડયા વાળા મળતા ન હોય શંકાસ્પદ લાગતા તેની તપાસ કરતા આ ખાતાધારક વિનોદભાઈ બુસા એકાઉન્ટના કોઈ ડોક્યુમેન્ટ અમને આવેલ નહી.
આ બાબતે વિનોદભાઈ બુસાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે, પોતાનુ કોઈ બેંક એકાઉન્ટ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં છે જ નહી, જેથી તપાસ ટીમે આ બાબતે તપાસ કરતા આ એકાઉન્ટ જે તે વખતના બ્રાંચ મેનેજર ડી.એચ.ડઢાણીયાએ બેંક લોન વાપરવા માટે ખોલાવેલ હોવાનું સામે આવેલ હતું.
જેમા તા.30/12/2017 થી તા.05/05/2018 દરમ્યાન કુલ રૂ.4.50 લાખના ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરેલા છે. જેથી આ બ્રાંચ મેનેજર ડી.એચ.ડઢાણીયાના સમયગાળા દરમ્યાન ઓપન થયેલા તમામ એકાઉન્ટોની તપાસ કરતા જાણવા મળેલ કે, બાલાજી એન્જીનીયર્સ શાપર વેરાવળના પ્રોપ્રાઈટર તેજશ પંડયાને તેમના એકાઉન્ટ નંબર ઉપર તેમની કંપનીમાં આવતા રૂ.32.13 લાખની બે ઇન્ડક્શન હીટર મશીન ઉપર રૂ.24 લાખની ટર્મ લોન આપવામા આવેલ હતી, જેનું પેમેન્ટ સાંઇનાથ એન્જીનીયરીંગ વર્કસ નામની કંપનીમાં કરવામાં આવેલ હતુ. જેથી લોન માટે આવેલ અરજી બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે, મેનજર ડી.એચ.ડઢાણીયાએ આ પેઢીના સીબીલ રિપોર્ટ અને બેંક સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટ ધ્યાને લીધા વિના અને સ્થળ પરીક્ષણ કે પાર્ટીનું બેક ગ્રાઉન્ડ ચેક કર્યા વગર આટલી મોટી લોન મંજુર કરવા માટે ભલામણ કરેલ હતી.
લોન માટે જે ક્વોટેશન આપવામા આવેલ હતુ. તે મશીન એગ્રીકલ્ચર પ્રોડકટસ અંગેનુ જણાયેલ અને મશીનરી લોન ઉપર પણ પુર્ણ કિંમતનો વિમો લીધેલ ન હતો, બેંકનો ચાર્જ મુવેબલ એસેટ માટે સરસાઈમાં રજીસ્ટર કરવામાં આવેલ નહી, આ તેજશભાઈ પંડ્યા કોઈ બાલાજી એન્જીનીયર્સના માલીક છે જ નહી, પરંતુ આ કંપનીમાં નોકરી કરતા હતા. અને કંપનીનો ભાડા કરાર પણ રાજકોટના મનીષભાઈના નામનો છે, બાલાજી એન્જીનીયર્સમાં ચાર ભાગીદારો હોય જેમાંથી એક ભાગીદાર ભાવેશભાઇને આ તેજસ પંડ્યા બાબતે પુછતા તેઓ આ બાલાજી એન્જીનીયર્સમાં માલીક નથી પરંતુ માર્કેટીંગનું કામ કરે છે તેવુ જણાવેલ છે.
તેમજ ડી.એચ.ડઢાણીયાએ શાપરના કેવીન મેંદપરાના નામે રૂ.2 લાખની મશીનરી લોન લીધેલ છે, તેમા સહીના નમુના સિવાય આ કેવીનભાઇ મેંદપરાના નામના કોઈપણ પ્રકારના દસ્તાવેજો કે કેવાયસી ડોક્યુમેન્ટસ લીધેલા ન હોય અને તેમા જણાવેલ મોબાઇલ નંબર પણ ખોટો આપેલ હોય જેથી કેવીનભાઈ મેંદપરાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે, પોતે કોઇ લોન સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી લીધેલ નથી તેમજ બેંકમાં લોન માટેની કોઈ પણ અરજી કરેલ ન હોય તેમ છતા મેનેજર ડી.એચ.ડઢાણીયાએ રૂ.2 લાખની લોન મંજુર કરી દીધેલ છે.
ત્યારબાદ ખીરસરાના પ્રીતીબેન પાટડીયાના બેંક એકાઉન્ટમાં બ્યુટી પાર્લરનો સામાન લેવા માટે બેંકમાં રૂ.2 લાખની ટર્મ લોન કરાવેલ પરંતુ આ પ્રીતી બેનનો સંપર્ક કરતા તેઓએ માત્ર રૂ.25 હજારની જ લોન લીધેલ હોવાનુ અને તેમની લોનમા ગેરેન્ટર તરીકે દિપકભાઇ લખતરીયાને પોતે ઓળખતા નથી તેમ જણાવેલ જેથી તેમના બેંક એકાઉન્ટની ડીટેલ ચેક કરતા જાણવા મળેલ કે, તા.15/02/2018 ના પારસ કોસ્મેટીક રાજકોટના રૂ.2 લાખનો ચેક ઈસ્યુ કરી આ ચેકનુ પેમેન્ટ ધર્મેશભાઈ ફળદુના એકાઉન્ટમાં જમા કરવામા આવેલ છે.
આમ મેનેજર ડી.એચ.ડઢાણીયા એ પ્રીતીબેનના નામે રૂ.2 લાખની લોન મંજુર કરી પ્રીતીબેનને માત્ર રૂ.25 હજાર આપી બાકીના રૂ.1.75 લાખ પોતાના અંગત વપરાસ માટે ઉપયોગ કરી લીધેલ છે.
તેમજ આરોપીએ એડમીનીસ્ટ્રેટીવ પાસેથી પાક ધીરાણ અંગેની મંજુરી લીધા વગર જ તેમના માતા વજીબેન હરીભાઇ ડઢાણીયાના નામે રૂ. 3 લાખ મંજુર કરી લઇ લીધેલ છે. જે અંગે પોતાને સત્તા ન હોવા છતા પોતે સત્તાનો દુરૂપયોગ કરી પાક ધીરાણ લોન પોતાની માતાના નામે મંજુર કરેલ છે.
તેમજ તા.28/07/2012 ના રૂ.24,912 નું ખોટી રીતે એલ.ટી.સી.ની રકમનો ક્લેઇમ રજુ કરી મંજુર કરાવેલ છે. જેથી આરોપીએ ત્રણ વર્ષના પોતાના સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મેટોડા શાખામાં ફરજ કાળ દરમ્યાન બેંકના ખાતા ધારકોના એકાઉન્ટ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી પોતાની બ્રાંચ મેનેજર તરીકેની સત્તાનો કે હોદ્દાનો દુરૂપયોગ કરી બીજાના ડોક્યુમેન્ટસ વાપરી તે આધારે લોન મેળવી બેંક સાથે વિશ્વાસધાત કરી રૂ. 34 લાખથી વધુની ગેરરીતી તથા ગેરવહિવટ કરી બેંકના નિતિ નિયમોનુ ઉલ્લંઘન કરી નાણાકીય નુકશાન કરતાં ફરીયાદ નોંધાવી હતી.