Jai Hind

મંગેતર સાથે વાત કરતા યુવક અને તેના પિતાનું અપહરણ કરી, મારમારી, મારી નાખવાની ધમકી આપી

તોરણીયા ગામનો બનાવ : રાજપરા ગામના યુવક સહિત 5 ઈસમો સામે ગુન્હો નોંધાયો

રાજપરા ગામના યુવકની સગાઈ થયેલ યુવતીને તોરણીયા ગામના યુવક સાથે મિત્રતા હોય, જે વાતનું મનદુ:ખ રાખી, યુવતીના મિત્ર અને તેના પિતાનું યુવતીના મંગેતર સહિતના 5 શખ્સોએ અપહરણ કરી, ફાર્મ હાઉસમાં લઈ જઈ, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ થતા ખોબા જેવડા તોરણીયા ગામમાં ચકચારચી જવા પામી હતી.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના તોરણીયા ગામે રહેતા રમેશભાઇ જેમલભાઇ ધંધુકીયા (ઉ.વ.50)ના દિકરા સંજય તથા મુકેશભાઇની દીકરી ખુશી બન્ને વચ્ચે મિત્રતા હોય, અને એકબિજાને વાતચીત કરવાના સબંધ હોય અને ખુશીની સગાઇ રાજપરા ગામે રહેતા આરોપી મિલન મકવાણા સાથે થયેલ અને સંજય તથા ખુશી બન્ને મિત્રો હોય તે વાતની જાણ મિલન મકવાણાને થતા તે વાતનુ મનદુ:ખ રાખી, મિલન મકવાણા, મીલનનો કાકો સંજય મકવાણા, નિકુંજ તથા જમાલ ઇકો કાર લઇને તોરણીયા ગામે રમેશભાઇ ધંધુકીયાના ઘરે જઈ, રમેશભાઇ તથા તેના દીકરા સંજયભાઇનુ ઇકો ગાડીમાં અપહરણ કરી, ચાલુ ઇકોમાં ઢીકાપાટુનો ઢોર માર મારી, મિલન એ મોબાઇલ ફોનની લુંટ કરી, બાપ – દીકરાને રાજપરા ગામ ફાર્મ હાઉસમાં લઇ જઇ, ગોંધી રાખી, લાકડી તથા ઢીકાપાટુનો ઢોર માર મારી, શરીરે ઇજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની તોરણીયાના રમેશભાઇ ધંધુકીયા એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીની ફરિયાદના આધારે, પોલીસે આરોપીઓ મિલન મકવાણા, મીલનનો કાકો સંજય મકવાણા, નિકુંજ, જમાલ તથા જયદીપ સામે ગુન્હો નોંધ્યો છે, જેની તપાસ તાલુકા પી.આઈ. એફ.બી.ગગનીયા ચલાવી રહ્યા છે.