સ્કાવર વાલ્વ મુકવામાં આવતા અહીંની ખેતી સમૃધ્ધ થશે : ઊર્જા રાજય મંત્રી વેકરિયા
’સૌની યોજના’ (SAUNI – Saurashtra Narmada Avtaran Irrigation) હેઠળ ગુજરાતની જીવાદોરી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફત સૌરાષ્ટ્રના ડેમ અને તળાવોમાં ભરવામાં આવે છે, આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 1,126 કિ.મી. લાંબી પાઇપલાઇન નેટવર્કનો સમાવેશ થાય છે, સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર કચ્છ માટે ’સૌની યોજના’ થકી ગ્રામ્ય સાથે શહેરી વિસ્તારોની કાયાપલટ થઈ છે, સૌરાષ્ટ્ર હરિયાળું અને સમૃદ્ધ બન્યું છે.
અમરેલીના મોણપુર મુકામે જિલ્લા પ્રભારી અને અને કૃષિ મંત્રી, જીતુભાઈ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ‘સૌની યોજના’ લિંક-4, પેકેજ-5 હેઠળ સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આ કાર્યક્રમમાં સંસદ સભ્ય, ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી નજીક આવેલ મોણપુર મુકામે રાજ્યના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ કુલ રૂપિયા 27.84 લાખના ખર્ચે સ્કાવર વાલ્વ અને પાઈપલાઈન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સુવિધા મારફત મોણપુર ગામનાં તળાવમાં અંદાજે છે’ક 350 કિ.મી દૂરથી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. સ્કાવર વાલ્વનુ લોકાર્પણ થતા પીવાના પાણી અને ખેતી વાડી સિંચાઈના ઉપયોગ માટે પાણીની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે, હવે પાણીની સમસ્યા કાયમી માટે ભૂતકાળ બનશે.
જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી, જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સૌની યોજના થકી સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી અંત આવ્યો. નર્મદાના પાણી છેક સૌરાષ્ટ્ર – કચ્છ સુધી પહોચ્યાં છે. વડાપ્રધાન મોદીની સુદીર્ઘદ્રષ્ટિ અને કલ્પના થકી આજે “નેવાના પાણી,મોભે ચડ્યા”છે. પાણીથી પેઢીઓ તરી જાય છે,ખેતીવાડી સમૃદ્ધિ તરફ આગળ ધપે છે. વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકારે માત્ર પંચરોજકામના આધારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ આપી ખેડૂતોને કમોસમી વરસાદની સ્થિતિમાં તેમની ચિંતાઓ દૂર કરવામાં મદદ કરી છે. ઊર્જા રાજ્યમંત્રી, કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, મોણપુર મુકામે છેલ્લા પાંચ વર્ષથી પાણીની સમસ્યા હતી. વારંવાર રજૂઆતના અંતે અહીં સ્કાવર વાલ્વ મૂકવામાં આવતા અહીંની ખેતી સમૃદ્ધ થશે, ખેડૂતોને લાભ થશે.
ચિત્તલ મુકામે ’જલ જીવન મિશન’ હેઠળ ‘જળ અર્પણ’ કાર્યક્રમમાં યોજાયો હતો. જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવોના હસ્તે અંદાજે રૂપિયા 2.33 કરોડના ખર્ચે ’નલ સે જલ’ યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચિત્તલ મુકામે ‘જળ અર્પણ’ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી, જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ગામડામાં એકસમયે પીવાના શુદ્ધ પાણીની સમસ્યા હતી, જે હવે ભૂતકાળ બની છે. હવે ’જલ જીવન મિશન’ દરેક ગામની નવી ઓળખાણ બની છે. પાણીના ટેન્કરરાજ હંમેશ માટે નાબૂદ થયા છે. રાસાયણિક કૃષિના ગેરફાયદાઓ અને આરોગ્ય વિષયક નુકશાન તરફ ધ્યાન દોરીને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું હતું.