Jai Hind

વ્યાજખોર ત્રિપુટીના ત્રાસથી બ્રાહ્મણ યુવાને ફિનાઇલ પીધું: ત્રણની ધરપકડ

જેતલસરના જુની સાંકળી ગામનો બનાવ પોલીસે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ વ્યાજખોરો સામે ગુનો નોંઘ્યો

જેતલસર પંથકના જૂની સાંકળી ગામે રહેતા વિપ્ર યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતાની મગજની બીમારીની સારવાર અર્થે નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેણે સેનેટરીના વેપારી ત્રિપુટી પાસેથી રૂ.1.50 લાખ વ્યાજે લીધા હતા. જે નાણાં પેટે 10% વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતાં વિપ્ર યુવાનને ફિનાઈલ ગટગટાવ્યું હતું. બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી ત્રણેય વ્યાજખોરોની ધરપકડ કરી હતી. બનાવ અંગે જેતપુરના જૂની સાંકળી ગામે રાદડિયા શેરીમાં રહેતા 28 વર્ષીય રાજેન્દ્રભાઈ ઉર્ફે અંકિતભાઈ કનુભાઈ પંડ્યાએ આરોપી તરીકે ધવલ વોરા, શૈલેષ ઉસદડિયા અને હિરેન ભુવાનું નામ આપતાં જેતપુર તાલુકા પોલીસે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે મજુરીકામ કરે છે. તેમની માતાને મગજની બીમારી હોય જેની સારવાર માટે પૈસાની જરૂર ઉભી થતા મિત્ર કપિલભાઈ ઉર્ફે ટીનો નિમાવતને વાત કરતા તેમના ઓળખીતા શૈલેશ ઉસદડીયા તથા ધવલ વોરા જેમની જેતપુર અમરનગર રોડ ઉપર બંસરી સેનીટરી પાઈપ નામની દુકાન આવેલી છે તે તથા હિરેન ભુવા (શિવમ સેનેટરી) સાથે મુલાકાત કરાવેલી હતી.યુવાનને1.50 લાખની દવાખાના કામે જરૂર હોય જેથી આ રકમ દસ ટકાના વ્યાજે લેવાનું નક્કી થયેલુ હતું. ગઇ તા.25/12/2025 ના ધવલ વોરાએ 1.50 લાખ જેમાથી દસ ટકા વ્યાજ પેટે રૂ.15 હજાર કાપી રૂ.1.35 લાખ રોકડા આપેલા હતા. જેની સામે દર મહિને વ્યાજ પેટે રૂ. 15 હજાર અને મૂળ રકમ પેટે રૂ.25 હજાર જમા કરાવવાનું નક્કી થયેલુ હતું. નાણા લીધા બાદ એક મહિના પછી હિરેનને વ્યાજ તથા હપ્તાની રકમ સહિત રૂ.40 હજાર જમા કરાવેલા હતા. બીજા હપ્તાની રકમ ગઈ તા.01/03/2026 ના રોજ રૂ.40 જમા કરાવવાના હતા, પરંતુ નાણાં દવાખાનાના ખર્ચ પેટે વપરાઈ ગયેલા હોય જેથી રૂ.40 હજાર ભરપાઈ કરી શક્યો ન હતો. ગઈ તા.02 ના હિરેન ભુવાનો ફોન આવેલો કે, મને તારો હપ્તો મળેલો નથી, જે તાત્કાલિક મોકલી આપો. બાદ તા. 03 ના શૈલેષ ઉસદડીયાનો ફોન આવેલો કે, આજ સાંજ સુધીમા વ્યાજ સાથેની રકમનો હપ્તો પહોંચાડી દેજે, વધુમાં પોલીસ મારુ કંઈ નહી બગાડી શકે અને તારે વ્યાજની રકમ તો આપવી જ પડશે નહીંતર હું કોઈ બે દરબારોને તારા ઘરે મોકલી બધાને પતાવી નાખીશ તેવી ધમકી આપેલી હતી.
બાદ તા.04 ના પણ ફોન આવેલો પરંતુ ફોન ઉપાડેલો ન હતો. જેથી મિત્ર કપિલભાઈ ઉર્ફે ટીનો નિમાવતએ કહેલુ કે, તે વ્યાજ સહિતની રકમનો હપ્તો આપેલો નથી? જેથી તેને કહેલુ કે હાલ મારી પાસે નાણા ન હોવાને કારણે હું વ્યાજ સાથેનો હપ્તો આપી શકેલો નથી.ત્રણેય શખ્સો વ્યાજ સહિતના હપ્તાની રકમની વારંવાર ઉઘરાણી કરતા હોય અને તેમની પાસે એકપણ રૂપિયો ન હોય અને આ લોકો મને તથા મારા પરિવારને ઉપાડી લેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા જે ત્રાસના કારણે તે કંટાળી ગયો હતો. જેથી ગઈ તા. 04 ના પીપળવાના પાટિયે જાતે ફિનાઈલ પી લીધેલુ હતું. બાદ ત્યાથી પસાર થતાં કોઈક રાહદારીએ સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બનાવ અંગે યુવકની હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ નોંધી જેતપુર તાલુકા પોલિસ મથકના પીઆઈ એ એમ હેરમાંની ટીમે નાણાં ધીરધાર સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય વ્યાજખોરોની ધરપકડ કરી હતી.