Jai Hind

ચક દે ઇન્ડિયાના નારાથી રાજકોટ ગુંજી ઉઠ્યુ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જોવા મળ્યો અભૂતપૂર્વ ક્રિકેટ ફીવર, લાઇવ મેચના જાહેર આયોજનમાં ક્રિકેટ પ્રેમીઓએ ઉમટી પડ્યા : દરેક ચોગ્યા-છગ્ગા સાથે સર્જાયો ઐતિહાસિક માહોલ

જાહેર આયોજનને બાદ કરતા સોસાયટીઓ, રોડ સાંજ પછી બન્યા જાણે સુમસામ, ઘર આંગણે રહીને પણ ટીમ ઇન્ડિયાને બકઅપ કરવા ક્રિકેટ પ્રેમીઓએ દેખાડ્યો અનેરો ઉત્સાહ

શહેરની ઓપન એર રેસ્ટોરેન્ટ, હોટલ, રિસોર્ટ, ફાર્મ હાઉસ સહિતના સ્થળે બીગ સ્ક્રીન, મ્યુઝિક સિસ્ટમ સાથે લાઇવ મેચ નિહાળવા થયુ હતુ ધમાકેદાર આયોજન

સમગ્ર દેશવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા એ ટી-20 2026ના ફાઇનલ જંગને લઇને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ તો ગઇકાલથી જ ક્રિકેટ ફીવર ફેલાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ હજુ સુધી ટી-20 મેચમાં જીતનું ખાતુ ખોલાવ્યુ નથી. એ જોતા એકબાજુ ક્રિકેટ પ્રેમીઓમાં ઉચાટ પણ હતો કે શું ટીમ ઇન્ડિયા આ મેણુ ભાંગશે? ચાની હોટલ, પાનની કેબીનથી લઇને જ્યા કંઇ પણ લોકો એકઠાં થતા હોય ત્યા એક જ ચર્ચા, એક જ ઉમ્મીદ, એક જ આશા, એક જ અરમાન હતા કે ભારતીય ટીમના નરબંકાઓ ન્યુઝિલેન્ડને ધુળ ચાંટતુ કરી ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ જીતીને ઇતિહાસ રચે.
સેમી ફાઇનલમાં હાઇએસ્ટ સ્કોર સાથે જીતીને ટીમ ઇન્ડિયા ગ્રેન ફિનાલે જંગમાં આવ્યા બાદ સૌ ક્રિકેટ પ્રેમીઓ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવતા નિહાળવા બેતાબ બન્યા હતા. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગામડાં ગામથી લઇને શહેરોમાં ગલ્લીઓમાં ક્રિકેટ પ્રેમીઓ રવિવારના ફાઇનલ જંગની રાહ જોતા હતા. બાળકોથી લઇને વૃધ્ધો સહિતના આજે સવારથી જ સાંજ પડે અને મેચ શરૂ થાય તેની ઇંતેજારીમાં આતુર હતા.
રાજકોટમાં તો ક્રિકેટ ફીવર એવો હતો કે, સોસાયટી, સંસ્થા અને ફાર્મ હાઉસમાં બીગ સ્ક્રીન સાથે મેચને સામુહિક જોવા માટેના આયોજન અગાઉથી જ ગોઠવાઇ ગયા હતા. સાથે ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમની ધમાલનું પણ આયોજન હતુ. પ્રથમ દાવ ભારતનો હતો. મેચના પ્રારંભેથી જ ટીમ ઇન્ડિયાના ધુરંધર સેન્જુ સેમસંગ, અભિષેક શર્માએ આતશી ઝંઝાવાત ફેલાવતા પ્રત્યેક ફોર અને સિક્સર પર ચક દે ઇન્ડિયા.. ભારત માતા કી જયથી માહોલ કંઇક અનોખો જ સર્જાતો હતો.
શહેરના હેમુ ગઢવી હોલ, નાગર બોર્ડિંગમાં તો જાણે સ્ટેડિયમ હોય તેવો માહોલ હતો. મોટી સંખ્યામાં બેઠક વ્યવસ્થા રાખવામા આવી હતી. આ ઉપરાંત શહેરની બહાર સંખ્યાબંધ ઓપન એર રેસ્ટોરેન્ટ, કાફે, રિસોર્ટ તેમજ ફાર્મ હાઉસમાં પણ બીગ સ્ક્રીન પર લાઇવ મેચ નિહાળવા માટે મ્યુઝિક સિસ્ટમની ધમાલ સાથે આયોજન કરવામા આવ્યુ હતુ.

ભારત જીતે તે માટે સેંકડો ક્રિકેટ પ્રેમીઓએ માનતા, બાધા રાખી હતી
પ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ બે વર્લ્ડ કપ વિજેતાનો શરતાજ પહેરે તેવી મનોકામના સાથે અનેક ક્રિકેટ પ્રેમીઓએ માનતા, બાધા પણ રાખી હોવાનું જાણવા મળ્યુ છે. કોઇએ પગપાળા તેમના દેવસ્થાને જવાની તો કોઇએ તેમની શ્રધ્ધા અનુસાર માનતા રાખી હતી.

રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં સાંજ પછી રોડ બન્યા સુમસામ
મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થવાનો હતો પરંતુ રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ ટોચ ઉછળે એ પહેલાથી જ ટીવી, બીગ સ્ક્રીન સામે ગોઠવાઇ ગયા હતા. મોટાભાગના વિસ્તારો, સોસાયટીઓમાં જાણે કર્ફ્યુ લાગ્યો હોય તેમ સુમસામ બની ગયા હતા. રોડ પર પણ વાહનની અવરજવાર ગઠી ગાંઠી જોવા મળી હતી. બીજીબાજુ ચા-પાનના ગલ્લા પર ક્રિકેટ પ્રેમીઓના ટોળા જામ્યા હતા.

બહુમાળી ચોક સહિતની જગ્યાએ બીગ સ્ક્રીન પર જોવા રોડ બંધ કરવા પડે તેવી સ્થિતિ
રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સ રિંગરોડ પર બહુમાળી ભવન ચોક સહિતની જગ્યાએ જાયજન્ટ સ્ક્રીન અને સાઉન્ડ સિસ્ટમ સાથે લાઇવ મેચનું ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. ભારતનો પ્રથમ દાવ આવતાની સાથે વાહનચાલકો મેચની એક ઝલક જોવા ઉભા હતા પરંતુ જે રીતે ટીમ ઇન્ડિયાના નરબંકાઓએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ સતત ચાલુ રાખતા વાહનો થંભી ગયા હતા. બીજીબાજુ આયોજનના સ્થળે સંખ્યાબંધ ખુરશીઓ રાખવામા આવી હતી. તમામ ખુરશીઓ પહેલેથી જ પેક થઇ ગઇ હતી. એ ઉપરાંત વાહનચાલકો અને રાહદારીઓનો પણ જમાવડો થઇ જતા જાણે બહુમાળી ભવન ચોક અમદાવાદનું સ્ટેડિયમ હોય તેમ એક એક ગગનચુંબી ફટકા સાથે ભારત માતાની જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠતુ હતુ.