Jai Hind

લીલીયા પોલીસની કાર્યવાહી: ગેરકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલુ આઇસર ઝડપ્યું

ગીર વિસ્તારમાં વૃક્ષછેેદન સામે તંત્રના આંખ આડા કાન
9 ટન લાકડા, ટ્રક મળી રૂા. 4.4પ લાખનો મુદામાલ જપ્ત

લીલીયા મોટા બૃહદ ગીરમાં એશિયાઈ સિંહોના રહેઠાણ વિસ્તારમાં પાછલા કેટલાય સમયથી વાઘણીયા, ટીબડી, ભોરીંગડા, ક્રાંકચ સહિતના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર સરકારી પડતર, સરકારી ખરાબો, ગૌચર જમીનમાંથી ગાંડા બાવળની આડમાં મોટા પ્રમાણમાં દેશી બાવળ સહિત દેશી કુળના વૃક્ષો મોટા પ્રમાણમાં કપાઈ રહ્યા છે. આ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિક લોકોએ માંગણી કરેલ તેમ છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ગતરાત્રિના સમયે પી.આઇ. એમ.ડી. સાળુંકેની સૂચના અને પી.એસ.આઈ. વાય.એમ.જાડેજા.ના માર્ગદર્શન તળે લીલીયા પોલીસના પોલીસ કર્મી મહેશભાઈ ચૌહાણ, અમીનભાઈ જુણેજા નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળતા ભોરીંગડા- લીલીયા માર્ગ પરથી બિનકાયદેસર દેશી બાવળના લાકડાનો જથ્થો ભરી પસાર થતુ ટ્રક ૠઉં 14 ણ 4418 વાહન ચાલક જયંતીભાઈ કલાભાઈ મકવાણા (રહે ભારાપરા તા. તળાજા) ને રોકી પૂછપરછ કરતા લાકડાનો જથ્થો ભોરીંગડાથી ભર્યો હોવાનું જણાવેલ હતું. આ ટ્રકમાં દેશી બાવળનું 9 ટન લાકડું કિંમત રૂપિયા 45,000 તેમજ ટ્રક રૂપિયા 4 લાખ મળી કુલ 4,45000 હજારનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આ કામે લીલીયા પોલીસના પોલીસ કર્મી ભુજબલદાન ગઢવી, સંજયભાઈ ઇટાલીયા, પંકજભાઈ બગડા, સંજયભાઈ ધાંધલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.