આગામી સમયમાં મતદાન બહિષ્કારની ચિમકી
વિકાસના દાવા કરતી સરકારના દાવા પોકળ સાબિત કરતા વંથલી તાલુકાના અનેક ગામના રસ્તાઓમાં વિકાસના ધૂળની ડમરી ઉડી રહી છે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે વંથલી તાલુકાના ટીનમસ,ગાદોઈ ગામના લોકોએ આજે ’ જાગો ધારાસભ્ય જાગો, રોડ રસ્તા રીપેર કરો ’ ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે કહ્યું હતું કે ખોખરડા ફાટકથી ગાદોઈ, ટીનમસ, સેંદરડા,.આખા 9 કિમી માર્ગનો રસ્તો છેલ્લા 10 વર્ષથી બન્યો નથી તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી તંત્ર દ્વારા અનેકવાર જુઠા આશ્વાસનો આપવામાં આવે છે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ દ્વારા આ રસ્તો મંજૂર કરાવ્યા બાદ આ રસ્તાને લઈ તંત્ર પાસે કામગીરી બાબતને લઈ કોઈ રસ દાખવ્યો નથી અને નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ ગામડાઓમાં આવતા હોય તેવું જણાઈ રહ્યું છે આગામી સમયમાં આ રસ્તા બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો આવતી ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરી ગામમાં નેતાઓને પ્રવેશબંધી કરવામાં આવશે તેમજ જરૂર પડ્યે આગામી દિવસોમાં ખોખરડા ફાટકે નેશનલ હાઈવે પર વાહનો રોકી ચક્કાજામ કરવામાં આવશે..
વંથલી તાલુકામાં અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેમાં શાપુર – ધણફુલીયા, શાપુર – લુવારસર, લુવારસર – સેલરા, સાંતલપુર એપ્રોચ રોડ, કણજા થી કણજડી – મોટા કાજલીયારા- બંધડા, વંથલી – બાલોટ, શાપુર એપ્રોચ રોડ, શાપુરથી કોયલી મઠ કોયલીથી ચોબારી, વાડલા – લુવારસર,ગાદોઈ એપ્રોચ રોડ સહિત મોટા ભાગના રસ્તા બિસ્માર હાલતમાં છે અનેક રસ્તાઓ મંજૂર થઈ ગયા હોવા છતાં કામ કેમ કરવામાં આવતું નથી તેવો સવાલ લોકો કરી રહ્યાં છે ગામલોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મોટાભાગના રસ્તાઓ પર તંત્ર દ્વારા મીઠી નજર હેઠળ ઓવરલોડ રેતીના વાહનો ચાલી રહ્યા છે જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાનું નામો નિશાન મટી ગયું છે તેમજ તંત્ર દ્વારા રસ્તા પર કરવામાં આવતી પેચવર્ક કામ પણ લોટ પાણી ને લાકડા જેવી કામગીરી કરવાને લીધે રસ્તા મગરમચ્છની પીઠ સમાન બની ગયા છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતી હોય રસ્તા બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો સત્તા પક્ષ માટે ચૂંટણી જીતવી લોઢાના ચણા ચાવવા સમાન બનશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે