હળવો પવન છતા અસહ્ય ગરમીથી લોકો અકળાયા
અમરેલી જિલ્લાની ભૌગોલિક પતિસ્થિતિ જ કંઈક અલગ છે. જેને લઈ અમરેલીમાં સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમી પડે છે. ત્યારે અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રભાવ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. આજે દિવસ દરમિયાન અમરેલીમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બપોરના સમયે અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ આજે અમરેલીમાં ન્યૂનત્તમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ આશરે 41 ટકા નોંધાયું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 3.4 કિલોમીટર રહેતાં હળવો પવન ફૂંકાતો રહ્યો હતો. તેમ છતાં તાપમાનમાં થયેલા વધારાને કારણે ગરમીનું પ્રમાણ વધુ અનુભવાયું હતું.
શહેરમાં ગરમીમાં અચાનક વધારો થતા બપોરના સમયે મુખ્ય માર્ગો પર અવરજવર ઓછી જોવા મળી હતી. ખાસ કરીને બપોરના સમયે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. અને શહેરના ઘણા માર્ગો સુમસામ બની ગયા હતા. અમરેલી શહેરની સાથે સાથે જિલ્લાના ગીર પંથકમાં પણ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆતમાં જ પ્રથમ વખત મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકોમાં ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાં અને છાંયો શોધવાની સ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.