Jai Hind

ખંભાળિયામાં વિશ્ર્વ વુમન્સ ડે નિમિતે તંત્ર દ્વારા મહિલા સંમેલન યોજાયું

વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નારીશક્તિઓને સન્માનિત કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપક્રમે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી નિમિત્તે ખંભાળિયામાં ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં થીમ સાથે મહિલા સંમેલન યોજાયું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાએ સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મહિલાઓના સાહસ, સન્માન, દ્રઢ ઈચ્છાશક્તિની ઉજવણી અવસર એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ભૂતકાળના સમયમાં નારીઓને રિવાજોના નામે આગળ વધવા દેવામાં આવી ન હતી. પરંતુ આજના સાંપ્રત સમયમાં નારીઓ દેશના સીમાડાઓથી લઈને અવકાશ સુધી પોતાનું સાહસ અને મક્કમ મનોબળની શક્તિનો પરિચય આપ્યો છે. કોઈપણ ક્ષેત્ર જેવા કે શિક્ષણથી લઈ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર આજે નારીશક્તિ બિરાજમાન છે જે નારીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો પરિચય કરાવે છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સમાજ ઉત્થાન માટે પ્રેરક કામગીરી કરવા તથા તેમની ક્ષમતાઓને પ્રેરિત કરવાનો છે. આજના સમયમાં આપણું રાષ્ટ્ર ઉતરોત્તર પ્રગતિ કરી રહ્યું છે ત્યારે નારીશક્તિ પણ ખૂબ પ્રગતિ કરી રહી છે. રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપતા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ ઉત્સાહપૂર્વક, દ્રઢ મનોબળ સાથે આગળ ધપી રહી છે. પહેલાના સમયમાં જ્યારે સ્ત્રીને પોતાના ઘરે થી બહાર નીકળવા માટે મંજૂરી લેવી પડતી હતી પણ આજે મહિલાઓ ઘરની જવાબદારીઓની સાથે સાથે કાર્યસ્થળ પણ પોતાની ક્ષમતાઓ પુરવાર કરી રહી છે. જેને ખરા અર્થમાં પુરુષ સમોવડી બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
આ તકે વ્હાલી દીકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમો તેમજ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર મહિલાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત મહિલા સંમેલનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા, તાલુકા વિકાસ અધિકારી એન.એલ. બેડીયાવદરા, વિગેરે સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.