તપોવન માધ્યમિક શાળાનું ગૌરવ વધાર્યું
દેશની સર્વોચ્ચ અને અઘરી ગણાતી સિવિલ સર્વિસિસ પરીક્ષા યુપીએસસીનું તાજેતરમાં જાહેર થયેલું પરિણામ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા માટે ગૌરવપૂર્ણ સાબિત થયું છે. તાલુકાના મુ. ખાંભા ગીર ગામના વતની કુલદીપસિંહ પરમારએ આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં 703મો રેન્ક મેળવી સફળતા હાંસલ કરી છે.કુલદીપસિંહ પરમારે વર્ષ 2011માં ખાંભા ગામની તપોવન માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તે સમયે પણ તેઓ પ્રથમ ક્રમે પાસ થયા હતા. શાળાકીય અભ્યાસ દરમિયાન તેઓ ખૂબ જ તેજસ્વી અને વિવિધ ક્ષેત્રોમાં હોશિયાર વિદ્યાર્થી તરીકે જાણીતા રહ્યા હતા.
તેમની આ સિદ્ધિથી ખાંભા ગામ તેમજ તપોવન માધ્યમિક શાળા માટે ગૌરવનો વિષય બન્યો છે. આ પ્રસંગે તપોવન માધ્યમિક શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય તથા સમગ્ર શિક્ષક મંડળ દ્વારા કુલદીપસિંહ પરમાર અને તેમના પરિવારને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.ગામના યુવાને રાષ્ટ્રીય સ્તરે મેળવેલી આ સિદ્ધિથી વિસ્તારના વિદ્યાર્થીઓમાં પણ ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવાની પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.