Jai Hind

સુત્રાપાડાના ધામળેજ બંદરે સમસ્ત ઘોઘલા ખારવા સમાજ દ્વારા મઢી પર્વની ધામધૂમથી ઉજવણી

સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર વિસ્તારમાં સમસ્ત ઘોઘલા ખારવા સમાજ દ્વારા પરંપરાગત મઢી પર્વની ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી હતી.
આ પર્વ નિમિત્તે સમસ્ત ઘોઘલા ખારવા સમાજ દ્વારા ભગવાન શિવ-પાર્વતીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા ધામળેજ બંદરની વિવિધ ગલીઓમાં ફરાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
રથયાત્રા દરમિયાન ભક્તોએ ભગવાન શિવ-પાર્વતીના દર્શન કરી અબીલ-ગુલાલ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો હતો. ડીજેના તાલ સાથે યુવકો-યુવતીઓ તેમજ સમાજના લોકો રાસ-ગરબા રમતા નજરે પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો.
મઢી પર્વના અવસરે નવદંપતિઓ દ્વારા ઉપવાસ પણ રાખવામાં આવે છે, જે આ પર્વની એક વિશેષ પરંપરા માનવામાં આવે છે. ઘોઘલા ખારવા સમાજ માટે મઢી પર્વ સૌથી મોટા અને અગત્યના તહેવારોમાંનો એક ગણાય છે.
આ પ્રસંગે ઘોઘલા ખારવા સમાજના પટેલ રામભાઈ હડમતભાઈ સોલંકી, ઉપ પટેલ મહેન્દ્રભાઈ પાસાભાઈ સોલંકી સહિત સમાજના તમામ આગેવાનો, વડીલો, તથા ગ્રામજનો માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌએ મળીને પર્વની ઉજવણી કરી અનોખો ઉત્સાહ અનુભવ્યો હતો.