ચકાચક દાદાના આગમનને લઈ જૈન સમાજમાં હર્ષોલ્લાસ
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવતીકાલે જૈન સમાજના હૃદય સમ્રાટ પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજય પ્રબોધચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ (ચકાચક દાદા)નું આગમન થશે.આ પ્રસંગે જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તેઓ જૈન શાસન સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વિજય નેમી-વિજ્ઞાન કસ્તુરસૂરિજી મહારાજ સાહેબના પટ્ટધર છે. મહાન તપસ્વી સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય દેવ વિજય મુકુંદચંદ્રસૂરિશ્વર મહારાજ સાહેબના તત્પટ્ટધર અને જીવદયાપ્રેમી પરમ પૂજ્ય આચાર્ય દેવ વિજય પ્રમોદચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ આદીઠાણા તથા સાધ્વીજી ભગવંતો સહિત સાધુ-ભગવંતો પણ રાણપુર પધારશે.આવતીકાલે સવારે 6:30 કલાકે ચકાચક મહારાજ સાહેબનું આગમન થશે. રાણપુરમાં ગીબરોડ પર આવેલી એ.ડી. શેઠ હોસ્પિટલ ખાતેથી વાજતે-ગાજતે ભવ્ય સામૈયું કાઢવામાં આવશે.ત્યારબાદ મહારાજ સાહેબ રાણપુર પાંજરાપોળ ખાતે પધારી અબોલ પશુઓને માંગલિક સંભળાવશે.ત્યાંથી વાજતે-ગાજતે મોટા દેરાસર થઈને રતનચોક સાંકળીબાઈ ઉપાશ્રય ખાતે મહારાજ સાહેબ બિરાજમાન થશે. ઉપાશ્રય ખાતે માંગલિક અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડશે.વ્યાખ્યાન બાદ ઉપસ્થિત સૌ લોકો માટે મોટા ઉપાશ્રય ખાતે નવકારશીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ પવિત્ર પ્રસંગને લઈને સમગ્ર જૈન સમાજમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.