Jai Hind

ગિરનાર પર્વત પર માં અંબાના ધામમાં શરાબ-માસની મહેફીલના વિડીયોથી ખળભળાટ

મંદીરના પુજારી, કામદાર, રસોયા સહિત 11 સસ્પેન્ડ : માં અંબાના મંદીરમાં દારૂ, માસ કેવી રીતે પહોંચ્યુ? તપાસનો ધમધમાટ

જૂનાગઢના પાવન પવિત્ર ગિરનાર પર્વત પર આવેલ શક્તિપીઠ એટલે કે માં અંબાજીના ભંડારામાં શરાબ અને માસની મહેફિલ ચાલતી હોય તેવો એક વિડીયો વાયરલ થતાં આ ધૃણાસ્પદ ઘટના અનેક તર્ક વિતર્ક સાથે ચર્ચામાં આવી છે. અને સનાતની લોકોએ આ ઘટનાને નીંદનીય ગણાવી જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. તો બીજી બાજુ જિલ્લા કલેકટર દ્વારા આ ઘટના અંગે તપાસ કરવાના આદેશો જારી કરી દીધા છે.
જૂનાગઢના પાવન પવિત્ર ગરવા ગિરનાર ઉપર આવેલ માં અંબાજીનું મંદિર શક્તિપીઠ તરીકે મનાય છે. આ મંદિર માત્ર જુનાગઢ જ નહીં, પરંતુ સમગ્ર ભારત વર્ષ અને વિદેશી ભાવિક, ભક્તજનોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યારે આ અંબાજી મંદિરના પરિસરમાં આવેલા ભંડારામાં અમુક લોકો દારૂ અને માસ મટનની મહેફીલ માણતા હોય તેવો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા પામ્યો છે. જેને લઇને સનાતન હિંદુ ધર્મના લોકોમાં ભારે નારાજગી અને રોષ ભભૂકીઓ છે. તથા આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં યોગ્ય અને ઝીણવટ ભરી તપાસ કરી, આ કૃત્ય કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
જો કે, આ ઘટના તંત્રના ધ્યાનમાં આવતા જ જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક જુનાગઢ એસ.ડી.એમ.ને તપાસના આદેશ આપી દીધા છે. અને આજે સવારે જુનાગઢ સીટી મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓ એ અંબાજી મંદિરની મુલાકાત લઇ તપાસ આદરી હતી. આ અંગે સીટી મામલતદાર એ.કે. બારૈયાએ જણાવ્યું હતું કે, આ ઘટના અંગે હાલમાં તપાસ ચાલુ છે. પરંતુ મંદિરના પૂજારીઓ, સફાઈ કામદાર, રસોયા સહિત 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આવા લોકોને મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તે સાથે મંદિરમાં માતાજીની પૂજા માટે હંગામી ધોરણે અનુભવી પૂજારીની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જો કે, લોકોમાં થતી ચર્ચા મુજબ હાલ એસડીએમ ગાંધીનગર ખાતે એક ટ્રેનિંગમાં હોય જેને લઈને આ તપાસ અને તપાસ બાદના રિપોર્ટ માટે રાહ જોવું પડશે તેવું જણાઈ રહ્યું છે.
બીજી બાજુ અંબાજી મંદિરના ભંડારામાં અમુક લોકો દ્વારા શરાબ અને માસાહારનું ભોજન લેવાતું હોય તેવો કથિત વિડીયો વાયરલ થતાં જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતના માઇ ભક્તોમાં ભારે રોષ ભભૂક્યો છે. અને સોશિયલ મીડિયા ઉપર આ અંગેની તરહ તરહની ચર્ચાઓ તથા દોષિતોને કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે. તે સાથે સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, અંબાજી મંદિરના મહંત માટે અગાઉ મોટો વિવાદ થયો હતો ત્યારે હાલ મંદિરનો વહીવટ વહીવટી તંત્ર પાસે છે, અને પૂજારીની નિમણૂક થવાની બાકી છે. ત્યારે કોઈ પ્લાનિંગથી આ વિડીયો ઉતારવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, તે સાથે શરાબ અને માંસાહાર ખાતા લોકોનો આ વિડીયો કોણે ઉતાર્યો ? અને કોના દ્વારા સર્વ પ્રથમ શેર કરવામાં આવ્યો ? અને આ શેર કરવા પાછળનું કારણ શું ? તે અંગે એફએસએલ દ્વારા તપાસ થવી જોઈએ અને પોલીસે દ્વારા કથિત વિડીયો વાયરલ કરવા પાછળના મુખ્ય ભેજાબાજો એ કયા કારણોસર અને કોના કહેવાથી આ વિડીયો વાયરલ કર્યો તેની તપાસ કરી તેમાં સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે.
સોશિયલ મીડિયામાં એક વાત એ પણ ચર્ચાઇ રહી છે કે, જિલ્લા કલેકટર દ્વારા અંબાજી મંદિરના મહંતની ઘણા લાંબા સમયથી નિમણૂક કરવામાં આવી નથી. અને હાલમાં મંદિરનો વહીવટ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે મંદિર પરિસરમાં આવી ઘટના ઘટે તો તેની જવાબદારી વહીવટી તંત્રની ગણાવી જોઈએ. આ સાથે ગુજરાતમાં દારૂબંધી છે, છતાં દારૂ અને માસ છેક ગિરનાર પર્વત ઉપર મંદિર પરિસરમાં કઈ રીતે પહોંચ્યું ? અને પોલીસ તથા વન તંત્રની સામે આ બાબત કેમ ન આવી ? તે અંગે પણ અનેક ચર્ચાઓ અને આક્ષેપો લોકો દ્વારા ઊઠી રહ્યા છે.
દરમિયાન આજે અંબાજી મંદિરના પૂર્વ મહંત સ્વ. તનસુખગીરી બાપુના પરિવારના સભ્યો અને હાલના અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા પણ તંત્રને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, વીડિયોમાં જે લોકો દેખાય છે તેમાંથી અમારા દશનામી ગૌસ્વામી બાવાજી સમાજના કે મંદિરના કોઈ પૂજારી દેખાતા નથી. છતાં પણ તંત્ર દ્વારા પૂજારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે યોગ્ય નથી, અને આની જીણવટ ભરી તપાસ કરવામાં આવે તેવી દુષ્યંતગીરી ગોસ્વામી તથા મંદિરના પૂજારી તુષારગીરી સહિતના પૂજારીઓ દ્વારા રોષપૂર્ણ માંગ કરવામાં આવી છે.
હાલમાં જૂનાગઢના ધારાસભ્ય ગાંધીનગર ખાતે હોય, ત્યારે તેમને આ બાબતની જાણ થતા તેમણે ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અંબાજી મંદિર ખાતે ખૂબ જ ગંભીર બનાવો બન્યો છે. જે સનાતન ધર્મ માટે લાંછન રૂપ બનાવ છે. આ બાબતે મેં જુનાગઢ કલેક્ટર અને એસપી સાથે વાત કરી તાત્કાલિક તપાસ કરી દોષિત સામે પગલાં ભરાઈ તેમ જણાવ્યું છે, આ સાથે પ્રભારી મંત્રીને પણ આ બાબતથી વાકેફ કર્યા છે.

મહંત દ્વારા નિવેદન નહી અપાતા ભકતોમાં નારાજગી
નોંધનીય બાબત એ છે કે, આજે સવારથી જુનાગઢના સોશિયલ મીડિયા ઉપર સનાતની અને હિન્દુ સમાજના અગ્રણીઓ અને ભાવિક ભક્તો દ્વારા આ કથિત વીડિયોમાં દેખાતી ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવાઇ રહ્યો છે. છતાં પણ ભવનાથ ક્ષેત્રના કોઈ સાધુ સંતો આ બાબતે પોતાનું નિવેદન જાહેર કર્યું નથી, એકમાત્ર ભુતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ અંબાજી મંદિરમાં જે ઘટમાનો વિડીયો સામે આવ્યો છે તે ઘટનાને અતિ નિંદનીય ગણાવી છે, અને વહીવટી તંત્ર દ્વારા આ અંગેની તાત્કાલિક તપાસ થાય અને દોષિતો સામે કડક પગલાં લેવા જોઈએ તેમ જણાવ્યું છે. આ સિવાય કોઈ મહંત દ્વારા આ બાબતે કોઈ જ નિવેદન ન આવતા સ્થાનિક ભાવિક ભક્તજનોમાં પણ નારાજગી વર્તાઈ રહી છે.