Jai Hind

સોમનાથ-જૂનાગઢ જિલ્લામાં પશુ ચિકિત્સકની 13 જગ્યા ખાલી

ખાલી જગ્યા નહી ભરાય તો ધારાસભ્ય વિમલ ચુડાસમાની વિરોધ પ્રદર્શનની ચીમકી

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પશુ ચિકિત્સકોની ભારે અછત હોય અને આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા વિધાનસભા માં ઉઠાવ્યો પ્રશ્નો છે. આગામી દિવસોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા પગલાં નહીં લે તો કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડ્યે પશુઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ ધારાસભ્ય દ્વારા જણાવેલ છે.આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ જણાવેલ કે, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પશુ દવાખાના અને પશુ સારવાર કેન્દ્રમાં ખાલી પડેલી જગ્યા ના આંકડા અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તેના જવાબમાં સામે આવ્યું છે કે, આ બંને જિલ્લામાં પશુ ચિકિત્સક અધિકારી ઓ અને પશુધન નિરીક્ષકની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે, છતાં સરકાર ભરતી પ્રક્રિયા ના નામે માત્ર ‘ગોકળગાય’ ગતિએ કામ કરી રહી છે.ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા પશુપાલન પર નિર્ભર જિલ્લાઓમાં પશુ ચિકિત્સક અધિકારી (વર્ગ-2) ની અનેક જગ્યાઓ ખાલી છે. માત્ર જૂનાગઢ જિલ્લામાં જ એક વર્ષથી વધુ સમયથી આઠ અને એક વર્ષથી ઓછા સમયથી 13 જગ્યાઓ ખાલી છે. જ્યારે પશુ બીમાર પડે છે, ત્યારે સમયસર ડોક્ટર ન મળવાને કારણે પશુઓ મોતને ભેટે છે. આ માટે જવાબદાર સરકાર છે જેણે વર્ષોથી ભરતી પ્રક્રિયા ને અભરાઈએ ચઢાવી દીધી છે. વર્ગ-4 (ડ્રેસર/પટટાવાળા) ની જગ્યાઓ પર કાયમી ભરતી કરવાને બદલે આઉટસોર્સિંગથી કામ ચલાવવામાં આવે છે. આ નીતિ યુવાનોના રોજગાર છીનવવાનું અને પશુ સારવાર કેન્દ્રોને નબળા પાડવા નું ષડયંત્ર છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં પશુ ચિકિત્સક અને પશુધન નિરીક્ષકની તમામ ખાલી જગ્યાઓ યુદ્ધના ધોરણે આગામી ત્રણ મહિનામાં ભરવામાં આવે અને આઉટસોર્સિંગ બંધ કરી કાયમી કર્મચારી ઓની નિમણૂક કરવામાં આવે જેથી જવાબદારી નક્કી થઈ શકે અને જ્યાં સુધી નવી ભરતી ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી પશુપાલકોને ઘરઆંગણે સેવા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવી આગામી દિવસોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે પગલાં નહીં લે તો કોંગ્રેસ પક્ષ દ્વારા કલેકટર કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડ્યે પશુઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.