આંબળાશ ગીર ગામે કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું, નગર-તાલુકા-જિલ્લા સંગઠનમાં પસંદગી પામેલા કાર્યકર્તાઓનું સન્માન કરાયું
તાલાલા તાલુકાનાં આંબળાશ ગીર ગામે આહીર સમાજની વાડીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ ભંડેરી નાં અધ્યક્ષ સ્થાને અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં તાલાલા શહેર તથા તાલુકા અને જિલ્લાના નવા રચાયેલ સંગઠનમાં સ્થાન પામેલ પાર્ટીના કાર્યકરોનો પરિચય કરી નવા સંગઠનમાં પસંદગી પામેલ તમાંમ કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ સંમેલનમાં આગામી દિવસોમાં તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત તથા નગરપાલિકા ની આવી રહેલ ચૂંટણીઓને ધ્યાનમાં રાખી નવા રચાયેલ સંગઠનને વધુ ગતિશીલ અને મજબૂત બનાવવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.
પ્રાસંગિક પ્રવચન દરમ્યાન ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા કાર્યકરોને આહવાન કરતા જણાવ્યું હતું કે તાલાલા વિસ્તાર કોંગ્રેસનો કાયમી અજય ગઢ રહ્યો છે…આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી ઉપરાંત નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે માટે તમાંમ કાર્યકર્તાઓએ લોક સંપર્ક વધારવા અને આ વિસ્તારની લોક સમસ્યાઓ ઉજાગર કરી લોકોને યોગ્ય ન્યાય અપાવવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હિરાભાઈ જોટવા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ કાયમી જનહિતના મુદ્દાઓ માટે કાર્યરત છે અને રહેશે.તાલાલા પંથકના લોક ઉપયોગી પ્રશ્નો તથા ખેડૂતોની રોજીંદી કામગીરીમાં અવરોધરૂપ સમસ્યાઓ ઉકેલવા પાર્ટીના અગ્રણીઓ,કાર્યકરોને તત્પર રહેવા આહવાન કર્યું હતું.બેઠકના પ્રારંભે તાલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ માલદેભાઈ આહીરે સ્વાગત પ્રવચન કરી સૌનું અભિવાદન કર્યું હતું.બેઠકના અંતે સંગઠનને વધુ મજબૂત બનાવી આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને સફળતા અપાવવા માટે સર્વે કાર્યકરોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ ભંડેરીએ આભાર દર્શન કરી સંમેલનનું સમાપન કર્યું હતું.
આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ અગ્રણી માનસિંગભાઈ ડોડીયા,પૂર્વ જીલ્લા પ્રમુખ કરસનભાઈ બારડ,તાલુકા વરીષ્ઠ કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ અડતરીયા સહિત તાલાલા શહેર તથા તાલુકામાંથી બહોળી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ,યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.