પોલીસ, વનવિભાગની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા
જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આજે ગિરનાર પર્વત ઉપર આવેલા અંબાજી મંદિરમાં ગૌમુત્ર અને ગંગાજળનું છંટકાવ કરી અંબાજી મંદિર તથા સમગ્ર પરિસરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે તંત્રની ઘોર બેદરકારીનો આક્ષેપ કરી, વન વિભાગ અને પોલીસે તંત્ર સામે અનેક પ્રશ્નો ખડા કર્યા હતા.
જૂનાગઢના ગરવા ગઢ ગીરનાર ઉપર આવેલ જગવિખ્યાત અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના સ્થાન સમાન શક્તિપીઠ એટલે કે, માં અંબાજીના મંદિર પરિસરમાં આવેલ ભંડારામાં અમુક લોકો દ્વારા શરાબ અને માસાહારની મહેફીલ માણતો હોવાનો એક વિડિયો વાયરલ થયા બાદ ભાવિક ભક્તજનોની લાગણી દુભાતા ભારે રોષ સાથે નારાજગી વ્યકત કરવામાં આવી રહી છે, તથા વીડિયોમાં દેખાતા લોકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જોર સોરથી માંગ ઉઠી છે.
જો કે, આ બાબતે જૂનાગઢ જિલ્લા કલેકટરે ગઈ કાલે જ તપાસના આદેશો આપી દીધા હતા અને જુનાગઢ સીટી મામલતદાર સહિતના અધિકારીઓ એ અંબાજી મંદિરની સ્થળ મુલાકાત લીધી હતી. તે સાથે 26 જેટલા મંદિરના પૂજારી રસોયા અને સફાઈ કામદારને ફરજ મુક્ત કર્યા હતા અને તેમને મંદિર પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
આ બાદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અને ભાવિકો દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને મંદિરનો વહીવટ હાલ વહીવટી તંત્ર હસ્તક હોય ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવે અને લોકોની ધાર્મિક ભાવના દુભાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તો બીજી બાજુ અંબાજી મંદિરના પૂર્વ મહંત સ્વર્ગસ્થ તનસુખગીરી બાપુના પરિવાર દ્વારા પણ તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વીડિયોમાં દેખાતા લોકોમાં એક પણ વ્યક્તિ મંદિરના પૂજારી કે તેમના પરિવારના ન હોવાનું જણાવી, ખોટી રીતે તેમના પરિવારના સભ્યો અને પૂજારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેની નારાજગી વ્યક્ત કરી આ બાબતે જીણવટ ભરી તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. દરમિયાન આજે જુનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશી, મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા સહિતના કોંગ્રેસના આગેવાનો એ ગિરનાર પર્વત પર આવેલા અંબાજીના મંદિર ખાતે પહોંચી, ગૌમુત્ર અને ગંગાજળથી મંદિર, ભંડારો અને સમગ્ર મંદિર પરિસરનું શુદ્ધિકરણ કર્યું હતું.
આ સાથે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે તંત્રની બેદરકારીનો આક્ષેપ કરતા વધુમાં પોલીસ અને વન વિભાગ સામે પ્રશ્નાર્થ ખડા કરતાં જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકની બોટલ લઈ જવી તેના પર મનાઈ છે. અને આ માટે પોલીસ અને વન વિભાગ દ્વારા સખત ચેકિંગ કરાતા હોવાના દાવાઓ થાય છે. બીજી બાજુ ગિરનાર પર્વત જવા માટે રોપવે છે, ત્યાં પણ તેમની ખાનગી સિક્યુરિટી દ્વારા તપાસ થાય છે. ત્યારે ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર ખાતે અભક્ષ્ય ખોરાક અને શરાબ કેવી રીતે પહોંચ્યો તે પણ એક સવાલ છે. અને ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.