ફયુઝમ ગરબા, સિદી ધમાલ તેમજ વિવિધ પ્રાંતોની લોકકલાઓએ જમાવટ કરી, ભકિત -લોકસંગીતે રંગ રાખ્યો
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સુરેન્દ્રનગર કચેરી તથા જિલ્લા વહીવટીતંત્ર ના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ચોટીલા ઉત્સવ-2026 તેના નિર્ધારિત લક્ષ્યો અને સાંસ્કૃતિક ભવ્યતા સાથે સંપન્ન થયો છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ઐતિહાસિક જન્મભૂમિ અને ચામુંડા માતાજી મંદિરના તળેટી ખાતે યોજાયેલા આ મહોત્સવે સમગ્ર પંથકમાં ભક્તિ અને કલાનો અનોખો માહોલ સર્જ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોની લોક સંસ્કૃતિ અને કલા વૃદ્દોની મંડળીઓએ બે દિવસ સંસ્કૃતિની રમઝટ બોલાવી હતી જેમા ફ્યૂઝન ગરબાથી સિદ્દી ધમાલ સુધીની જમાવટ લોકોએ માણી હતી મહોત્સવના અંતિમ ચરણમાં ગુજરાતના વિવિધ પ્રાંતોની લોકકલાઓનું અદભુત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસે મા ચામુંડા અને મા મોગલની સ્તુતિ સાથે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું, મુખ્ય આકર્ષણ તરીકે ‘રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો’ રજૂ કરાયો હતો,આધુનિક શૈલીમાં રજૂ થયેલી મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, પાંચાળનો પ્રખ્યાત હુડો રાસ તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની પ્રસ્તુતિએ સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા હતા.
દ્વિતીય દિવસે વડોદરાના ફ્યૂઝન ગરબા પ્રાચીન ગરબા અને આધુનિક લયના સમન્વયે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા,જોરાવરનગરનો ગોફ રાસ માલધારી રાસ મંડળે આ રાસમાં કલાકારોની શિસ્ત અને પરંપરાગત વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બનેલ, ભરૂચનું સિદ્દી ધમાલ જોશીલા પર્ફોર્મન્સ અને અનોખા તાલ દ્વારા વાતાવરણમાં રોમાંચ ભરી દીધો.લોકસંગીતની સરવાણી મોડી રાત સુધી જામી મહેફિલ કાર્યક્રમના ઉત્તરાર્ધમાં સંગીત પ્રેમીઓ માટે ભક્તિ અને લોકસંગીતની જમાવટ થઈ હતી.
આ પ્રસંગે વહીવટીતંત્ર દ્વારા તમામ સહભાગી કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે નાયબ કલેકટર એચ.ટી. મકવાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અગ્રણી સુરેશભાઈ ધરજીયા, પ્રદીપભાઈ ખાચર અને મોટી સંખ્યામાં નગરજનો તથા યાત્રાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.