Jai Hind

25 વર્ષથી ચાલતા કેસનો આખરે સુખદ અંત સાવરકુંડલાની નાવલી નદી પરના દબાણો દુર થશે: સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો


ગટરગંગા બની ગયેલી નદીના સ્વચ્છતા અને બ્યુટીફિકેશનના કામને ગતિ મળશે

કુંડલા શહેર માટે અત્યંત ઐતિહાસિક અને લોકહિતકારક નિર્ણય સામે આવ્યો છે. વર્ષો સુધી કચરો નાખવાની જગ્યા અને ગટરગંગા બની ગયેલી નાવલી નદી હવે ફરીથી સ્વચ્છ, પવિત્ર અને જીવનદાયી નવલગંગા બનવાના માર્ગે આગળ વધી રહી છે. લગભગ 25 વર્ષથી ચાલતા કેસમાં ન્યાયપ્રક્રિયાનો અંત આવી ગયો છે અને લોકલાગણીને માન આપતા સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટ તથા હાઈકોર્ટની લાર્જર બેન્ચના ચુકાદાને યથાવત રાખીને નદી કિનારાના દબાણ દૂર કરવાની દિશામાં અંતિમ માર્ગ ખુલ્લો કર્યો છે.
નદી માત્ર પાણીનો પ્રવાહ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં નદી ‘માતા’નું સ્વરૂપ માનવામાં આવે છે. વર્ષો સુધી અવ્યવસ્થા અને ગંદકીના કારણે નાવલી નદી પોતાની મૂળ ઓળખ ગુમાવી બેઠી હતી. શહેરના લોકોના મનમાં હંમેશા ઈચ્છા હતી કે આ નદી ફરીથી સ્વચ્છતા, સંસ્કૃતિ અને વિકાસનું પ્રતિક બને.
આ સંદર્ભમાં માન. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના નેતૃત્વ હેઠળ નાવલી નદીના પુનર્જીવન માટે લાંબા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા. શહેરના વિકાસ માટે નવલી રિવરફ્રન્ટ, સ્વચ્છતા અભિયાન અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નદી કિનારે નવી ઓળખ ઉભી કરવાની દિશામાં દ્રષ્ટિ રજૂ કરવામાં આવી હતી.
આજે સુપ્રિમકોર્ટના નિર્ણયથી માત્ર કાનૂની માર્ગ જ સાફ થયો નથી, પરંતુ શહેરના લોકોના વિશ્વાસ અને લોકલાગણીને પણ ન્યાય મળ્યો છે.
આ નિર્ણયથી હવે કુંડલા શહેરમાં નદી કિનારેના ગેરકાયદેસર દબાણ દૂર કરવાનો માર્ગ સ્પષ્ટ થયો છે, નદીના સ્વચ્છતા અને પુનર્જીવનના કામને નવી ગતિ મળશે અને ભવિષ્યમાં નવલગંગા તરીકે ઓળખ મેળવતી નાવલી નદી શહેરના વિકાસ અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.