પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી
જામખંભાળીયા નજીક બેફામ દોડતી કારે બાઈકને હડફેટે લઈ અકસ્માત સર્જયો હતો.જેમાં બાઈક ચાલકનું કરૂણ મોત નિપજયું છે. પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા વિજયભાઈ રાણાભાઈ ચૌહાણ નામના 49 વર્ષના યુવાન ગઈકાલે રવિવારે સવારના સમયે તેમના જી.જે. 37 ઈ. 3062 નંબરના મોટરસાયકલ પર બેસીને સોનારડી ગામે કામ અર્થે ગયા હતા. ત્યારે સોનારડી ગામના એક મંદિર પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 27 ટી.ટી. 8587 નંબરના એક ફોર વ્હિલર ના ચાલકે વિજયભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેથી તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે લોહી લોહાણ હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ માટે મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.અકસ્માત સર્જીને આરોપી ફોર વ્હિલર ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના નાનાભાઈ કરસનભાઈ રાણાભાઈ ચૌહાણ (ઉ.વ. 44) ની ફરિયાદ પરથી મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
દારૂડીયા પતિનો પત્ની પર હુમલો
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા નેહાબેન રાજુભાઈ પરમાર નામના 28 વર્ષના પરિણીતાના પતિ રાજુ જેઠાભાઈ પરમારને દારૂ પીવાની ટેવ હોય, જેથી આરોપી રાજુ તેમના પત્ની નેહાબેન સાથે અવારનવાર ઝઘડો કરતો હતો.
આ વચ્ચે શનિવારે સાંજના સમયે આરોપી રાજુએ નેહાબેન પાસે પૈસા માંગતા તેણીએ પૈસા આપવાની ના કહી હતી. જેથી ઉશ્કેરાયેલા આરોપી રાજુએ નેહાબેન પર લાકડાના ધોકા વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
સલાયામાં બે પરિવારો
વચ્ચે બઘડાટી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે માયલો વાસ ખાતે રહેતા ઉંમરફારુક ગનીભાઈ સુંભાણીયા નામના 45 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાન દ્વારા અગાઉ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થયેલા આરોપી શાબીર અબુભાઈ મુગલની પોલીસ દ્વારા ધરપકડ કરી અને જેલ હવાલે થયા બાદ આરોપી શાબીર હાઇકોર્ટમાંથી જામીન મેળવીને મુક્ત થયો હતો.
આ પછી આરોપી શાબીર દ્વારા ફરિયાદી ઉંમરભાઈને સમાધાન કરી લેવા માટેનું કહેતા તેમણે સમાધાન કરવાની ના કહી દીધી હતી. આ બાબતનું મનદુ:ખ રાખીને આરોપી શાબીર અબુભાઈ તથા અન્ય આરોપીઓ મહેબૂબ મુગલ, આરીફ મુગલ, અમીનાબેન અને સબાનાબેનએ એકસંપ કરી, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને તેમને માર મારી, બિભત્સ ગાળો કાઢી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે તમામ પાંચ આરોપીઓ સામે બી.એન.એસ. સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જ્યારે સામા પક્ષે શાબીર અબુભાઈ મુગલ (ઉ.વ. 23) એ ઉંમરફારુક ગનીભાઈ સુંભણીયા સામે કોઈ બાબતે જુના મનદુ:ખ સંદર્ભે તેમને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ ફરિયાદીના બહેન કે જે સગર્ભા હોય, તે છોડાવવા જતા તેને પણ આરોપીએ પેટમાં લાત મારી, ઈજાઓ પહોંચાડી હોવાનું અન્ય એક પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
ખંભાળિયામાં વિદેશી
દારૂ સાથે બે ઝબ્બે
ખંભાળિયામાં જૂની સરકારી હોસ્પિટલ પાસેથી પોલીસે જીતુ બાલાભાઈ ડોરૂ અને વિશ્વરાજસિંહ મયુરસિંહ પરમાર નામના બે શખ્સોને રૂ. 6,800 ની કિંમતની વિદેશી દારૂની 17 બોટલ સાથે ઝડપી લીધા હતા. દારૂનો આ જથ્થો તેઓએ અહીંના સતવારાના ચોરા પાસે રહેતા હર્ષ પંકજભાઈ ચોપડા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
વૃધ્ધાને બે શખ્સોએ ધમકી આપી
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા રાજુબા નરભેસિંહ વાઢેર નામના 80 વર્ષના વૃદ્ધા સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને આ જ વિસ્તારમાં રહેતા હરપાલસિંહ વિક્રમસિંહ વાઢેર અને દિવ્યાબા વિક્રમસિંહ વાઢેરએ બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે.