સ્લીપર બસમાં બનેલી ઘટના બાદ તાત્કાલિક અસરથી કાર્યવાહી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) અમરેલી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર સિપ્તેહુસેન છોટુમિયા નકવી સામે ગંભીર આક્ષેપો થવાનાને પગલે તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમરેલી એસ.ટી. ડેપો મેનેજર એચ.એન. દવે દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, ગત 16 માર્ચના રોજ અમરેલીથી નાસિક જતી સ્લીપર કોચ બસમાં સિપ્તેહુસેન છોટુમિયા નકવી કંડક્ટરની ફરજ દરમિયાન તેઓએ બે મહિલા મુસાફરો સાથે છેડતી કરવાના તેમજ તેમને વણી બસ સ્ટેન્ડ પર ઉતરવા ન દેતા જબરદસ્તી કરી નાસિક સુધી લઈ જવાના આક્ષેપો સામે આવ્યા છે.
આ સિપ્તેહુસેન છોટુમિયા નકવી સામે મુસાફરોને ધમકી આપતા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વોટ્સએપ મારફતે પ્રાપ્ત થયેલી ફરિયાદ તેમજ આ ઘટનાને લગતા વીડિયો અને માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એસ.ટી. નિગમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી હોવાનું માનવામાં આવે છે.
આ બનવાની પ્રાથમિક તપાસમાં આ કંડક્ટર સામે ગંભીર આરોપોને ધ્યાનમાં લઈને તાત્કાલિક સસ્પેન્શનનો નિર્ણય લેવાયો છે. સસ્પેન્શન દરમિયાન કર્મચારીને ઉના ડેપો મેનેજર સમક્ષ હાજર રહેવા તથા પરવાનગી વિના મુખ્ય મથક ન છોડવા સૂચના આપવામાં આવી છે.