Jai Hind

પાટડીમાં ભજન, ભોજન અને ભકિતનો સંગમ સંત શિરોમણી પૂ. જગાબાપાની 13મી પૂણ્યતિથીએ રવિવારે ભાવ વંદના


શ્રી જગાબાપા પ્રેરિત પાટડી ઉદાસી આશ્રમના સીતારામ પરિવાર દ્વારા ભકિતસભર આયોજન: ભાવિકોને ઉમટી પડવા પૂ.મયુરબાપા દ્વારા આમંત્રણ : મહંત પૂ. ભાવેશ બાપુ અને લઘુમહંત વૈભવ બાપુ ભકતગણોને આર્શિવચન પાઠવશે : રાત્રે ડાયરો

સંતો ભલે સદેહ આપણી વચ્ચે ઉપસ્થિત ન હોય પરંતુ તેઓની કૃપા દ્રષ્ટિનો સાક્ષાત્કાર નિયમીત સમયાંતરે ભાવિકોને થતો રહે છે. સૌરાષ્ટ્રની ભૂમિને સંતો અને સુરાની ભૂમિ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રના પ્રથમ પંકિતના સંત શીરોમણીમાં જેમની ગણના થાય છે. તેવા પાટડીના ઉદાસી આશ્રમના પ્રણેતા પૂ. જગાબાપાની 13મી પૂણ્યતિથીના અવસરે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં પાટડી ગામે ખારાગોઢા રોડ સ્થિત ઉદાસી આશ્રમ ખાતે આગામી 22મી માર્ચના રોજ ભકિતસભર ઉજવણી કરવામાં આવશે ભાવવંદના અંતર્ગત પૂ. બાપાને શિષ્યભાવે સ્મરણાંજલી અર્પણ કરશે ભજન, ભોજન અને ભકિતનો મહાસંગમ રચાશે. પૂ. બાપાની સમાધીનું પણ ભાવીગણો દ્વારા ભકિતભાવ સાથે પૂજન કરવામાં આવશે. પાટડીમાં શ્રી જગદીશ્ર્વર મહાદેવ તપોભૂમિમાં દુ:ખ દરિદ્રતા, પંડ પીડાનો કાયમી અંત એવા સંત શિરોમણી પૂ. જગાબાપા સમાધિ સ્વરૂપ બિરાજે છે તેઓનાં પરચાનો સાક્ષાત્કાર શિષ્યગણોને સતત પ્રાપ્ત થઈ રહ્યો છે. જગાબાપા એ ભલે વિદાય લીધાને સવા દાયકા જેવો સમય વિતી ગયો છે. પરંતુ ભાવિકોના એક સ્મરણે બાપા આજેય પીડા હરવા માટે પરચા પૂરે છે. આગામી 22મી માર્ચના રોજ પૂ. જગાબાપાની 13મી પૂણ્યતિથી છે. આ પાવન અવસરે સીતારામ પરિવાર દ્વારા ભાવસવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 22મીએ વહેલી સવારે યજ્ઞનો આરંભ થશે. ત્યારબાદ સવારે 10.15 કલાકે મૂતિપૂજન અને બપોરે 1.30 કલાકે ભાવિકો માટે પ્રસાદ પિરસાશે. બપોરે 4 કલાકે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં ચાંદ મીર એન્ડ ગ્રુપ એચ.વી. સાઉન્ડના સથવારે શોભાયાત્રામાં રાહુલ આજણા, જયમીન ડભોણા, સુરેશ ડુમાણા અને વિપુલ સુસરા જમાવટ કરશે. શિષ્યગણો તથા જાહેર જનતા માટે સાંજે 7 કલાકથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના 9 કલાકે જાહેર સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, ભજનીક ફરીદાબેન મીર, લોક ગાયક દેવ પગલી, ભજનીક જયમંતભાઈ દવે, લોક ગાયક ઉદયભાઈ ધાંધલ, લોક ગાયક જીજ્ઞેશભાઈ બારોટ, ઉમેશભાઈ બારોટ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, ભજનીક શિવરાજભાઈ ગઢવી, મોજીલો માલધારી મેરૂભાઈ રબારી, ભુવાજી ગમનભાઈ સાંથલ, ભુવાજી વિજયભાઈ સુવાડા, આશ્રમના કવિરાજ દડુભા કરપડા, મોજી રમકડુ, ઋષભભાઈ આહીર, સ્ટેજ સંચાલક રવિન્દ્રભાઈ સોલંકી, ભાવિકોને સાહિત્ય રસ -ભકિતરસ પિરસશે સંતવાણીનું સંચાલન કુશા મહારાજ અને દાદુભાઈ રબારી કરશે. આ પાવન અવસરે પાટડી ઉદાસી આશ્રમના મહંત પૂ. ભાવેશબાપુ અને લઘુમહંત પૂ. વૈભવબાપુ ભાવિકોને આશિવર્ચન પાઠવશે. સંત શિરોમણી પૂ. જગાબાપાની 13મી પૂણ્યતિથીએ યોજાનારા ભાવવંદના રૂપ ભકિતસભર કાર્યક્રમમાં ઉમટી પડવા પૂ.મયુરબાપા અને સીતારામ પરિવાર દ્વારા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.