Jai Hind

ઉના નજીકથી 91 બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ

કોડીનાર પોલીસે રૂા.1.33 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસ અધિક્ષક દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત કોડીનાર પોલીસને સફળતા મળી છે. નેશનલ હાઈવે પર ઉના બાયપાસ પાસે વોચ ગોઠવી પોલીસે એક અલ્ટો કારમાંથી વિદેશી દારૂની કુલ 91 નંગ બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે આ જથ્થો પૂરો પાડનાર અન્ય એક શખ્સને ફરાર જાહેર કરી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ કોડીનાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઈ. પ્રફુલભાઈ જેસીંગભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે એક અલ્ટો કારમાં દારૂનો જથ્થો ઉના બાયપાસ તરફથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે હાઈવે પર નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ અલ્ટો કાર (ૠઉં-32-અ-4242) ને આંતરી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 91 સીલપેક બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 48,200 ની કિંમતનો દારૂ, રૂ. 80,000 ની કિંમતની કાર અને રૂ. 5,000 નો મોબાઈલ મળી કુલ રૂ. 1,33,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ કેસમાં પોલીસે અજયભાઈ રામસિંહભાઈ બામણીયા (ઉં.વ. 25, રહે. નવાગામ, તા. સુત્રાપાડા) ની ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો હિતેશભાઈ અમરાભાઈ સોંદરવા (રહે. મોટા ગામ, તા. ઉના) એ ભરી આપ્યો હતો. પોલીસે હિતેશ સોંદરવાને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.આ કામગીરીમાં કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકા સહિત એ.એસ.આઈ. પ્રદીપસિંહ, હેડ કોન્સ્ટેબલ અભિજીતસિંહ, કનુભાઈ તથા અન્ય પોલીસ જવાનો જોડાયા હતા.