Jai Hind

દ્વારકામાં મારામારીના કેસમાં આરોપીને એક-એક વર્ષની કેદ

મારા દિકરાને કેમ પોલીસમાં પકડાવી દીધો કહી બે શખ્સોએ હુમલો કર્યો’તો

  દ્વારકા વિસ્તારમાં રહેતા એક આસામીના ઘરે ગત તા. 13 મે 2015 ના દિને ધસી આવેલા આરોપી દેવજી ઉર્ફે દેવુભા વિરાભા માણેક અને બાલુભા ઉર્ફે બલીભા વિરાભા માણેક વિગેરેએ "તમે મારા દીકરા બલીને ગઈકાલે કેમ પોલીસમાં પકડાવી દીધેલ છે?" તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. આ પછી આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, ફરિયાદીને ઘરમાંથી ઢસડી બેફામ માર મારી, ઇજાઓ પહોંચાડી હતી.

આટલું જ નહીં, ફરિયાદીએ પોતાના ગળામાં પહેરેલો રૂપિયા 50,000 ની કિંમતનો બે તોલાનો ચેન ઝૂંટવી લઈ, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ બનાવના અનુસંધાને દ્વારકા પોલીસે જે-તે સમયે આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે સંદર્ભે પોલીસે આરોપીઓ સામે દ્વારકાની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
આ અંગેનો કેસ દ્વારકાના એડિશનલ સેશન્સ જજ કે.જે. મોદી સમક્ષ ચાલી જતા મદદનીશ જિલ્લા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા મહત્વના સાહેદોની જુબાની તેમજ વિવિધ દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે આરોપી દેવજી ઉર્ફે દેવુભા વીરાભા માણેક અને બાલુભા ઉર્ફે બલીભા વિરાભા માણેકને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા એક હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.