Jai Hind

ખંભાળીયા નજીક ગોડાઉનમાંથી PGVCLના 3700 કિલો વાયરની ચોરી પોલીસે તસ્કરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા

ખંભાળિયા નજીકના હાઈવે વિસ્તાર નજીક પીજીવીસીએલના સ્ટોરમાં રાખવામાં આવેલા રૂપિયા 7.77 લાખની કિંમતના 3,700 કિલો એલ્યુમિનિયમ વાયરની ગત તારીખ 9 થી 18 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયામાં પીજીવીસીએલ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અને અહીંના પોરબંદર રોડ ઉપર આવેલા કુંભાર પાડો વિસ્તારમાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના વતની એવા યતિશકુમાર મનસુખભાઈ શિંગાળા (ઉ.વ. 35) એ ખંભાળિયા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે ચાર કિલોમીટર દૂર સગુન નર્સિંગ સ્કૂલ પાસે આવેલા પીજીવીસીએલની વિભાગીય કચેરીના સ્ટોરમાં જુના એલ્યુમિનિયમ વાયરના જુના કંડકટરના ગૂંચળા (ફિન્ડલા) રાખવામાં આવ્યા હતા. આ જુના એલ્યુમિનિયમ વાયરને સ્ક્રેપ કરવાની પ્રપોઝલ કાર્યવાહી ગત તારીખ 9 માર્ચના રોજ કરવામાં આવી હતી.

આ પછી ગત તારીખ 18 માર્ચના રોજ બપોરના સમયે આ સ્ટોર પર ગયેલા પીજીવીસીએલના કર્મચારીઓને આ સ્થળે જુના એલ્યુમિનિયમ વાયરના ગૂંચળા (ફિન્ડલા) ઓછા જણાતા પીજીવીસીએલના અધિકારીઓ તેમજ તેમની ટીમએ અહીં આવીને ગણતરી કરતા આ સ્ટોરમાં રાખવામાં આવેલા જૂના એલ્યુમિનિયમ વાયરના જથ્થામાંથી 12 ગૂંચળા ઓછા જોવા મળ્યા હતા.આમ, આશરે 3700 કિલોગ્રામ વજનના આ ક્રેપના ગૂંચળાની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું. ચોરી થયેલા આ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 7,77,000 થવા પામે છે. જે સંદર્ભે ખંભાળિયા પોલીસે રૂપિયા 7.77 લાખના મુદ્દામાલની ચોરી થવા સબબ જુનિયર એન્જિનિયર યતિશકુમાર શિંગાળાની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.