Jai Hind

ગીર ગઢડાના ફાટસર રોડ પર સિંહ યુગલની ગર્જના સંભળાય

રાતના સન્નાટામાં ડણક સંભળાઈ; સિંહ પ્રેમીઓ લોકેશન ટ્રેક કરી દર્શન કરવા ઉમટી પડ્યા

ગીરના જંગલના રાજા હવે માત્ર વનરાજી પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ માનવ વસાહતો તરફ પણ તેમનું પ્રભુત્વ વધી રહ્યું છે. ગીર ગઢડા તાલુકાના ફાટસર રોડ પર ગઈકાલે રાત્રિના સમયે એક સિંહ યુગલની ગર્જનાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઝૂડવડલીથી ફાટસર તરફ જતા માર્ગ પર ખેતરના સેઢે સિંહ યુગલે પડાવ નાખતા સ્થાનિકો અને સિંહપ્રેમી ઓમાં કુતૂહલ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે સિંહની ડણકનો અવાજ શાંત વાતાવરણ માં 3 કિલોમીટરથી પણ વધુ દૂર સુધી ફેલાતો હોય છે. રાત્રિના સમયે સિંહ અને સિંહણની એકસાથેની ડણકે આસપાસના વિસ્તારમાં રોમાંચ જગાવ્યો હતો. આ અવાજ સાંભળીને અનેક વન્યજીવ પ્રેમીઓ ડણકના આધારે લોકેશન ટ્રેક કરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દૂરથી જ વનરાજનું દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સિંહ યુગલે અહીં કલાકો સુધી આરામ કર્યા બાદ આગળ પ્રયાણ કર્યું હતું.છેલ્લા કેટલાક સમયથી ઉના અને ગીર ગઢડા પંથકમાં સિંહોની અવરજવર ખૂબ જ સામાન્ય બની ગઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે, હવે સિંહો જંગલની રેન્જકરતા ગ્રામ્ય વિસ્તારો અને રેવન્યુ વિસ્તારોમાં વધુજોવા મળી રહ્યા છે.સિંહો ધીમે ધીમે દરિયાકાંઠાના પટ્ટી સુધી પોતાનો વસવાટ વધારી રહ્યા છે.