Jai Hind

કોટડા સાંગાણીમાં આઠ મહત્વના રૂટ બંધ હોવાથી મુસાફરોને ભારે હાલાકી

રૂ. 1 કરોડના ખર્ચે બનેલ બસ સ્ટેશન શોભાના ગાંઠીયા સમાન બન્યું

કોટડાસાંગાણી તાલુકા મથકે એસટી બસની કથળતી જતી સુવિધાઓને કારણે જનતામાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા અહીં અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ પૂરતી બસોના અભાવે આ સુવિધાનો લાભ લોકોને મળી રહ્યો નથી. આ ગંભીર મુદ્દે રિપોર્ટર સલીમ પતાણી દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, લાંબા સમયથી અનેક મહત્વના રૂટો બંધ કરી દેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બંધ કરવામાં આવેલા મુખ્ય રૂટોમાં નવી ખોખરી-રાજકોટ (વાયા કોટડાસાંગાણી) સમય સવારે 06:15, વાસાવડ-રાજકોટ (વાયા કોટડાસાંગાણી) સમય સવારે 07:45, અરડોઈ-ગોંડલ (વાયા કોટડાસાંગાણી) સમય સવારે 07:45, ગોંડલ-આણંદપર (વાયા કોટડાસાંગાણી)સમય સવારે 08:30, ગોંડલ-જુની ખોખરી (વાયા કોટડાસાંગાણી) સમય સવારે 09:00, રાજકોટ-માણેકવાડા (વાયા કોટડાસાંગાણી) સમય બપોરે 12:00, રાજકોટ – સતાપર (વાયા કોટડાસાંગાણી) સમય બપોરે 02:30, ગોંડલ-નવી ખોખરી (વાયા કોટડાસાંગાણી) સમય રાત્રે 21:30, બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ અને અપ-ડાઉન કરતા લોકો માટેની પાસ ઓફિસ બંધ હોવાથી લોકોને દૂર સુધી ધક્કા ખાવા પડે છે અને સમયનો બગાડ થાય છે. રાજપરા, માણેકવાડા, નવી-જૂની ખોખરી, નારણકા, રામોદ, સતાપર, શીશક, વાદીપરા, નવા-જુના રાજપીપળા, નાના-મોટા માંડવા, હરમતાળા અને ભાડુઈ જેવા અનેક ગામોમાં કોટડાસાંગાણીથી એક પણ એસટી બસ જતી નથી. ઔદ્યોગિક ક્ષેત્રને અસર: ઇન્ડસ્ટ્રીઝ ઝોનમા લોકો જતાં હોય છે જેમાં એસટી બસની સુવિધા પૂરતી મળતી નથી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.