મોટી સંખ્યામાં સામાજીક આગેવાનો હાજર રહ્યાં
ઉના પોલીસ સ્ટેશન ખાતે આગામી ચેટીચાંદ, રમજાન ઈદ અને રામનવમીના તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા પોલીસઅધિક્ષક જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ઉનાના ડીવાયએસપી મહાદેવ ચૌધરી, પી.આઈ. નિલેશ ચૌહાણ સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રમુખોએ પણ હાજરી આપી હતી.તહેવારોના દિવસોમાં લોકો કાયદાની મર્યાદા અને નીતિ-નિયમોનું પાલન કરીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ હતી.પોલીસ દ્વારા આવતીકાલથી તમામ રૂટ પર સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, ડ્રોન કેમેરા દ્વારા પણ સતત નજર રાખવામાં આવશે.પોલીસ અધિકારીઓએ બંને સમાજના આગેવાનોને જણાવ્યું હતું કે, જો કોઈને કોઈ તકલીફ કે વાંધાજનક લાગે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. યુવાનોને તહેવારોના દિવસોમાં બાઈક પૂરપાટ ઝડપે ન ચલાવવા અને આંતરિક વાંધા-વચકા તહેવારોના માહોલને બગાડે નહીં તેની ખાસ તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.