ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. હાલમાં દ્વારકા શહેરના મુખ્ય બે પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો સંપૂર્ણપણે ખાલી થઈ ગયો હતો. શનિવાર અને રવિવારની રજાઓ હોવાના કારણે મોટી સંખ્યામાં યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટી પડ્યા છે, પરંતુ ઈંધણ ખૂટી પડતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આ અંગે પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, ઈંધણનો જથ્થો અત્યારે પૂર્ણ થઈ ગયો છે અને હવે આવતીકાલે સોમવારે નવો જથ્થો આવ્યા બાદ જ પેટ્રોલ-ડીઝલ મળી શકશે. ત્યાં સુધી વાહનચાલકો અને પ્રવાસીઓએ રાહ જોવી પડશે અથવા અન્ય વિકલ્પો શોધવા પડશે.