Jai Hind

પાટીદાર સમાજ માં બંધારણ અને સામાજીક સુધારણા અંગે સૌરાષ્ટ્રના 51 તાલુકામાં સામાજીક સંમેલનો યોજાશે: મૌલેશભાઇ ઉકાણી

ઈશ્ર્વરીયા ખાતે વોર્ડ નં.1થી 9ના જ્ઞાતીજનનું સમૂહભોજન: લોક ગાયક સાગર પટેલનો સાંસ્કૃતિક કાર્યક્રમ: સંયુકત કુટુંબ પરંપરાની નવી પરિકલ્પના પાટીદાર સમાજ માટે જરૂરી: રૂપાલા

ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા સમાજ બંધારણ અને સામાજીક સુધારણા અંતર્ગત તા.રર માર્ચના રાજકોટની ભાગોળે ઇશ્વરીયાના ઉમા સંકુલ ખાતે યોજાયેલા સામાજીક સંમેલનમાં સૌરાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત સામાજીક અગ્રણીઓએ પાટીદાર સમાજમાં સાંપ્રત સમયે પ્રવર્તતા કુરીવાજ અને દેખાદેખીને તિલાંજલી આપી અનેક સામાજીક રીતરીવાજો પણ સુધારણાની તાતી જરૂરીયાત પર પરિવર્તનનો પવન ફુંકવાની જરૂરીયાત પર ભાર મુક્યો છે. સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના મોભી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ પરંપરા અને પરીવર્તન’ ના વિષય પર પોતાની આગવી શૈલીમાં છણાવટ કરી હતી. ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ સૌરાષ્ટ્રમાં 51 સામાજીક સંમેલનો યોજવાની ઘોષણા કરી છે. ઇશ્વરીયાના ત્રિવેણી સમારોહમાં અનેક દાતાઓએ દાનો ધોધ વહાવ્યો હતો. રાજકોટના 1થી 9 વોર્ડના જ્ઞાતીજનોએ સમૂહ ભોજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો.
પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા પાટીદાર વિઝન-2047 અંતર્ગત મા ઉમિયાની આરાધના સાથે સરસ્વતીની સાધનાના સહીયારા સંકલ્પને સાર્થક કરવા રાજકોટના ઇશ્વરીયા ખાતે ત્રિવેણી સમારોહના માધ્યમથી સૌરાષ્ટ્રભરના પાટીદારો માટે શૈક્ષણિક વિકાસનો નૂતનપંથ નો પ્રારંભ કર્યો છે. જેના ભાગરૂપે તા. રર થી 26 દરમ્યાન રાજકોટ શહેરમાં વસતા 30000 થી વધુ પાટીદાર પરિવારો તબકકાવાર જ્ઞાતી સમૂહ ભોજનમાં ભાગ લેશે. તા. રર માર્ચ ને રવિવારે ઇશ્વરીયાના ઉમા સંકુલ ખાતે યોજાયેલા સામાજીક સુધારણા અને બંધારણ માટે સમય પ્રમાણેના પરંપરા અને પરિવર્તનની સંમેલનમાં મુખ્ય વકતા તરીકે બોલતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ પાટીદાર સમાજની લગ્નવ્યવસ્થાઓ, સામાજીક પ્રસંગો કૌટુંબીક વ્યવસ્થાઓ અને છુટાછેડા તથા પરિવારમાં મિલ્કતના પ્રશ્ન સર્જાતી સમસ્યા અંગે ઉડાણપૂર્વક પ્રકાશ પાથરતા જણાવ્યુ હતુ કે સમગ્ર રાજયમાં મોટાભાગના સમાજમાં જ્ઞાતીના રીતરીવાજ અને પરંપરાઓના બદલાવની તથા સામાજીક બંધારણો અંગે વાયરો કુંકાય રહયો છે ત્યારે ઉમિયાધામ સિદસરે પાટીદાર સમાજમાં પરંપરા અને પરિવર્તનના સૂત્ર હેઠળ સૌરાષ્ટભરનું સામાજીક સંમેલન યોજીને કરેલા પ્રયત્નો સરાહનીય છે. જુના સમયમાં પાટીદાર સમાજની મહિલાઓ કુટુંબના સંબંધ આધારીત ગવાતા ગીતો અત્યારના લગ્નોમાં ભાડેથી ગવાય છે. ત્યારે મહિલાઓની આગવી ઓળખ અને વ્યવહાર લુપ્ત બન્યો છે. પરિવારમાં સાસુનો ’રૂતબો’ ની મીઠાશ હવે જોવા મળતી નથી લગ્ન વ્યવસ્થામાં ગામડું, જમીન, ખાનદાન, મોસાળ, પરિવારના સંસ્કારો અને સંયુકત પરિવારની ભાવના જોઈને દિકરી આપવાની સમાજની પરંપરા હવે વિખાતી જોવા મળે છે. અગાઉ લગ્ન 12 વર્ષે એક જ તિથિ એ યોજાતા જેના અનેક સામાજીક ફાયદાઓ હતા. પરંતુ આજના સમયે એક તિથિએ લગ્ન યોજાય તો ઘણાબધા પ્રશ્નો સરળ થઇ શકે દરેક કુટુંબના વડીલોએ એકજ તિથિએ લગ્ન યોજવાનું તેમણે સૂચન કર્યુ છે. સાથોસાથ દરેક ઘરમાં દિવસમાં એક વાર ઘરસભા દ્રારા પારીવારીક ચર્ચાની પ્રથા અમલી બનાવાની હિમાયત કરી છે. આજે જયારે ચાર-પાંચ વ્યકિતના પરિવારમાં પણ અલગ-અલગ મેનુ બનાવવું પડે છે ત્યારે પરિવારની કોમન મેનુ પ્રથા માં રહેલા સમજ અને સહનશકિતના સંસ્કાર ભૂલાય ગયા છે. દિકરી મા સમક્ષ દિલ ખોલીને વાત નથી કરતી અને મોબાઇલના વળગણના કારણે આપઘાત અને કૂ પાત્રો સાથે ભાગી જવાના બનાવો વધ્યા છે. આર્થીક સંપન્ન હોય ત્યારે બીન જરૂરી અને ઓન લાઇન ખરીદીને માતા-બહેનો દ્રારા તિલાંજલી આપી પહેરવેશમાં આબરૂ (લાજ) જળવાય રહે તેવા કપડા પહેરવાની શીખ આપી છે. અગાઉ કુટુંબના વડીલો દ્રારા થતી ખરીદીની જગ્યાએ હવે શોપીંગના મુદે છુટાછેડાના બનાવો અને ડેસ્ટીનેશન વેડીંગના નામે લખલુંટ ખર્ચને વખોડી કાઢી આ દિશામાં સામાજીક પરીવર્તન લાવવા હાંકલ કરી હતી. તેમણે સુખી સંપન્ન પરિવારો તરફ અંગુલી નિર્દેશ કરતા જણાવ્યુ હતુ કે લગ્નના લખલુંટ ખર્ચની જગ્યાએ પ્રેમથી મહેમાન ગતિ થાય અને જરૂરીયાત મંદ સગા-વહાલને યોગ્ય સમયે આર્થીક મદદ મળે તે પણ આજના સમયની માંગ ગણાવી હતી. આ ત્રિવેણી સમારોહમાં રાજકોટના વોર્ડ નં. 1 થી 9 ના પાટીદાર પરિવારો જ્ઞાતી સમૂહ ભોજન તેમજ રપ કુડી મહાયજ્ઞના દર્શન પરિક્રમાનો લાભ લઇ રાત્રે મા ઉમિયાના અખંડ આરાધક, પ્રખ્યાત લોક ગાયક સાગર પટેલ મા ના ગીતો સહીતનો સંગીતમય કાર્યક્રમ તેમજ લોક સાહીત્યકાર જોય અઘેરા સાહીત્યીક ડાયરાનો સાંસ્કૃતીક કાર્યક્રમ માણ્યો હતો. તા 23 ને સોમવારે વોર્ડ નંબર 10, 13 થી 18 ના જ્ઞાતીજનોનું સમૂહ ભોજન તેમજ રાત્રે ગુણવંત ચુડાસમાનો હાસ્ય દરબાર યોજાશે. તા. ર4 ને મંગળવારે વોર્ડ નં. 11 ના કડવા પાટીદાર પરિવારો સમૂહ ભોજન લેશે. બોલીવુડ પ્લેબેક સિંગર ચૈતાલી છાયા ની મ્યુઝીકલ નાઈટ યોજાશે. તા. 25 ને બુધવારે વોર્ડ નંબર 12 નું જ્ઞાતી સમૂહ ભોજન થશે નૃત્ય અને ભકિતમય સંગીત સાથે સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત શ્રીનાથજીની ઝાંખી પ્રસ્તુત થશે.