Jai Hind

ભાણવડમાં પૂર્વ કેબીનેટ મંત્રીના પુત્રએ બળદોને 5800 કિલો તરબૂચ ખવડાવ્યા

ગોૈવંશને ઉનાળાની લૂ અને ગરમી સામે રક્ષણ આપવાનો પ્રયાસ

હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સૂર્યનારાયણ આકરા પાણીએ છે. ત્યારે ભાણવડના અબોલ જીવો માટે સેવા અને સંવેદનાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. અહીંના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદભાઈ બેરા દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. ભાણવડ સ્થિત શિવ બળદ આશ્રમ ખાતે આસરો લઈ રહેલા તમામ બળદો તેમજ શહેરના માર્ગો પર વિહરતા માલિક વિહોણા તમામ ગૌવંશને ગરમીથી રાહત આપવા માટે તેમણે 5800 કિલો તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા. એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોના ખંતપૂર્વકના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં તમામ ગૌવંશને ભરપેટ તરબૂચનું ભોજન કરાવીને ઉનાળાની લૂ અને ગરમી સામે રક્ષણ આપવાનો પ્રયાસ કરાયો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં ધારાસભ્ય મુળુભાઈ બેરા, ભાણવડ પી.આઈ. ચેતન દેસાઈ, હર્ષદભાઈ બેરા, સંદીપભાઈ બેરા, શહેર પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ, નગરપાલિકા સદસ્યો તેમજ શિવ બળદ આશ્રમના તમામ સભ્યો જોડાયા હતા.