રાજકોટમાં આઇઓસીના 7 અને ન્યારાનો એક પેટ્રોલ પંપ સ્ટોકના અભાવે બંધ: બે દિવસ બેંકની રજાના કારણે પેમેન્ટ ખોરવાયા: સૌરાષ્ટ્રમાં 25 થી વધુ પંપમાં પુરવઠો ખત્મ
ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાનના 24 દિવસથી ચાલતા યુધ્ધની અસર હવે સૌરાષ્ટ્ર અને કચ્છમા દેખાઇ રહી છે. છેલ્લા 20 દિવસથી હોર્મુઝ સ્ટ્રીટ બંધ કરી દેવાતા ભારત આવતા ક્રુડ ઓઇલ ભરેલા વિશાળ જહાજો મધદરીયે ફસાયા છે. જેના પગલે સરકારી અને ખાનગી કંપનીઓમાં પ્રોડકશન અટકયું છે. સૌરાષ્ટ્ર-કચ્છના પેટ્રોલ પંપ પર પુરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઓછો જોવા મળ્યો છે. તેમજ સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા 50 ટકા કાપ મુકાતા ઓઇલ ડિલરોને પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો મળી રહ્યો નથી. તો વળી બીજી તરફ પેટ્રોલ-ડીઝલ આગામી દિવસોમાં નહીં મળે તથા ટુંક સમયમાં પેટ્રોલ પંપ બંધ થઇ જશે તેવા મેસેજ સોશિયલ મીડીયામાં વાઇરલ થતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. રાજકોટ, જુનાગઢ, જામનગર, પોરબંદર, વેરાવળ, કોડીનાર, ઉના, દીવ, ખંભાળીયા સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલા પેટ્રોલ પંપ પર સોમવારે બપોરથી કાર અને બાઇકની લાંબી કતારો લાગી હતી. રાજકોટમાં આઇઓસીના 7 અને રૈયા રોડ પર આવેલો નયારાના પંપમાં પુરતો જથ્થો હોય નહીં બંધ કરી દેવાયો હતો. પેટ્રોલ ડીઝલનો જથ્થો પુરતો હોવાનું અને નાગરિકોને અફવાઓથી દુર રહેવા માટે સરકાર વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઇ છે. તેમજ અંદાજે સપ્તાહમાં રાબેતા મુજબ પેટ્રોલ પંપ પરથી પેર્ટ્રેલ અને ડીઝલનો પુરતો જથ્થો મળી રહેશે તેવું આશ્વાસન લોકોને રાજય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અપાયું છે.
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ચાલતા ભીષણ યુધ્ધને કારણે પેટ્રોલીયમ સહિતના મોરચે ચિંતાની હાલત સર્જાઇ છે ત્યારે આજે રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં અછતની અફવા ઉડતા અનેક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ લાઇનો લગાવી દીધી હતી. જો કે કોઇ અછત ન હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે છતાં લોકોમાં આશંકા ઉભી થતાં ડીમાન્ડ વધી ગઇ હતી.
રાજકોટ-સૌરાષ્ટ્રમાં શનિ-રવિની વિક એન્ડની રજા હતા. બેંકો પણ બંધ હતી તેલ કંપનીઓએ કેટલાક વખતથી એડવાન્સ પેમેન્ટનો નિયમ લાગુ કર્યો છે. બેંક રજાના કારણે પેમેન્ટમાં મોડું થયું હતું. સમયસર પેમેન્ટ ન થતાં કંપનીઓએ ડિલીવરી અટકાવી હતી પરિણામે કેટલાક પંપોમાં સ્ટોક ખલાસ થઇ જતાં અછતની અફવાએ જોર પકડ્યું હતું. સોશ્યલ મીડિયાથી માંડીને અનેક સ્થળોએ અફવાની વાત ઉઠવા લાગતા વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે લાઇનો લગાવી દીધી હતી.
માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલની ડિલેવરીમાં ડીલ થવાના કારણે રાજકોટના 6 સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 25 પંપોમાં સ્ટોક ખલાસ થઇ ગયો હતો અને તેને કારણે અફવા વધુ તીવ્ર બની ગઇ હતી. પેટ્રોલ પંપ સંચાલકોથી માંડીને સરકારી તંત્ર દ્વારા પણ એવી ચોખવટ કરવામાં આવી હતી કે પર્યાપ્ત પુરવઠો છે અને કોઇ જાતની અછત નથી. લોકોએ ગભરાટભરી ખરીદી કરવાની કે પેટ્રોલ પંપો પર લાઇનો લગાવવાની કોઇ જરુર નથી. જો કે લોકોમાં અછતની આશંકા ઉભી થઇ હોવાથી સાધુ વાસવાણી રોડ, ન્યુ રાજકોટના કેટલાક પંપો તથા રાજકોટની ભાગોળે આવેલા કેટલાક પંપોમાં વાહન ચાલકોની લાઇનો લાગી ગઇ હતી.
પોરબંદર
પોરબંદરમાં પણ મોડી સાંજે આ પ્રકારની અફવા ફેલાઈ હોવાથી પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી હતી.
જેતપુર
જેતપુરના પેટ્રોલ પંપ ઉપર આજે વાહનચાલકો ની લાંબી કટાર જોવા મળી હતી પંપ માલિકોનું કહેવું છે કે પેટ્રોલ કે ડીઝલની કોઈપણ જાતની તંગી નથી માટે ખોટી અફવા થી દૂર રહેવું.
સેઇમ ડે પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવા માંગ
રાજકોટમાં શનિ-રવિના દિવસોમાં પેટ્રોલ પંપો પર ડિલેવરી અસ્તવ્યસ્ત બનવાને પગલે આજે પેટ્રોલ પંપ સંચાલકો તાબડતોડ તેલ કંપનીઓના અધિકારીઓને મળવા દોડી ગયા હતા અને સપ્લાયમાં કોઇપણ જાતનો વિક્ષેપ ઉભો ન થાય તેની કાળજી રાખવાની માંગણી કરી હતી.રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર્સ એસો.ના પ્રમુખ ગોપાલભાઇ ચુડાસમાએ વાતચીતમાં જણાવ્યું હતું કે શનિ-રવિમાં બેંકો બંધ હોવાથી અનેક પેટ્રોલ પંપ સંચાલકો કંપનીને સમયસર પેમેન્ટ કરી શક્યા ન હતા પરિણામે બે દિવસ પેટ્રોલ પંપોને નવી સપ્લાય અટકી ગઇ હતી અને રાજકોટમાં 6 સહિત સૌરાષ્ટ્રમાં 25 પંપો પર પેટ્રોલનો સ્ટોક ખલાસ થઇ ગયો હતો. યુધ્ધને કારણે લોકોમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવાની અને ભાવ વધારો અટકળો ચાલી રહી છે તેવા સમયે આ પ્રકારે સ્ટોક ખલાસ થાય તો અછતની અફવા જોર પકડે તે વિશે તેલ કંપનીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. એડવાન્સ પેમેન્ટની બદલે સેમ-ડે પેમેન્ટની સિસ્ટમ ફરી લાગુ કરવા માંગણી કરવામાં આવી હતી. એકાદ કલાક ચાલેલી બેઠકમાં કંપની અધિકારીઓએ પોઝીટીવ રીસ્પોન્સ આપેલ હતો અને હવે સપ્લાયમાં કોઇ વિક્ષેપ ન થાય તેની કાળજી લેવાની હૈયાધારણા આપી હતી.