સપ્તાહના અંતમાં ફરી કમોસમી વરસાદ
સૌરાષ્ટ્ર ગુજરાતમાં હિટવેવ પછી ભારે માવઠા વરસ્યા બાદ બે દિવસથી તાપમાનમાં રાહત છે પરંતુ બુધવારથી ફરી તાપમાન વધશે અને આગામી રવિ સોમમાં ફરી વખત છુટાછવાયા માવઠાની શકયતા હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં હાલ મહતમ તાપમાન નોર્મલ કરતા નીચુ રહેતુ હોવાથી ગરમીમાં રાહત છે. હાલ નોર્મલ તાપમાન 37થી 38 ડીગ્રી ગણાય છે તેની સામે મહતમ તાપમાન 1થી 2 ડીગ્રી નીચુ નોંધાઈ રહ્યું છે. ગઈકાલે રાજકોટમાં 36.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું જે નોર્મલ કરતા 1 ડીગ્રી નીચુ હતું. અમદાવાદમાં 36 ડીગ્રી (1.2 ડીગ્રી નીચુ) વડોદરામાં પણ 35.8 (2 ડીગ્રી નીચુ) ડીસામાં 35.3 (1 ડીગ્રી નીચુ) ગાંધીનગરમાં 35.4 (3 ડીગ્રી નીચુ) ભૂજમાં 35.7 (1 ડીગ્રી ઓછુ) તાપમાન નોંધાયુ હતું.
તા.30 માર્ચ સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે બે દિવસથી તાપમાન નોર્મલ કરતા નીચુ રહે છે. તા.24ને મંગળવાર સુધીમાં તે ફરી નોર્મલ ડીગ્રીએ આવી જવાની સંભાવના છે અને ત્યારબાદ તા.25થી 27 દરમ્યાન તાપમાનમાં વધુ 2થી 3 ડીગ્રીનો વધારો થવાની સંભાવના છે. મહતમ તાપમાન 37.5 થી 39.5 ડીગ્રીની રેંજમાં રહેવાની સંભાવના છે. ત્યારબાદ તા.28-29ના રોજ ફરી વખત તાપમાન 1થી 2 ડીગ્રી નીચુ આવશે અને આ સમયે ભેજમાં પણ વધારો થવાની સંભાવના છે. આગામીના સમયગાળામાં કચ્છ અને દરીયાકાંઠાના સૌરાષ્ટ્રમાં પવનની ઝડપ 10થી 20 કિ.મી.ની રહેવાની સંભાવના છે. તા.27-28 માર્ચે પવનની ગતિ વધીને 15થી 25 કિ.મી. થઈ શકે છે અને ઝાટકાના ભવન 35 કિ.મી. સુધી જઈ શકે છે.
ઈસીએમડબલ્યુએફ અને એનઓએમએડી જીએફએસના મોડલને ટાંકીને તેઓએ જણાવ્યું હતું કે તા.29-30ના રોજ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં છુટાછવાયા માવઠા થવાની સંભાવના છે ગુજરાતના પાડોશી રાજયો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વાતાવરણ અસ્થિર બને તેવું હોવાની ગુજરાતમાં પણ તેનો પ્રભાવ પડશે અને તેની અસરે છુટાછવાયા માવઠા થઈ શકે છે.
વરસાદની આગાહી : તાપમાનમાં
ગરમીનો અહેસાસ થયો
સૌરાષ્ટ્રમાં માવઠા બાદ ફરી ક્રમશ: તાપમાન વધવા લાગતા ગરમીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. રાજકોટ સહિત 9 શહેરોમાં ગઇકાલે 35 થી 36 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. 36.5 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 36, વડોદરામાં 35.8, ભાવનગરમાં 34.9, ભુજમાં 35.7, ડાંગમાં 35:2, ડિસામાં 35.3, ગાંધીનગર ખાતે 35.4 ડિગ્રી અને કંડલામાં 35.5 તથા સુરતમાં 35.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે હવે ક્રમશ: ચાલુ સમાહમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી-હવામાન વિભાગે કરી છે. તેમજ જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીના વધારા સાથે 34.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રીના વધારા સાથે 23.5 ડિગ્રી રહ્યું હતું તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 6.3 કિમી નોંધાઇ હતી.