રાજુલા તાલુકાના માંડલ ગામે રહેતાં દુલાભાઇ ભગવાનભાઇ નકુમ નામનાં 82 વર્ષીય વૃધ્ધ ગત તા.19 ના રોજ સાંજે આશરે પાંચેક વાગ્યે કોઈ અજાણ્યા આરોપીઓએ તેમની મોટર સાયકલમાં દુલાભાઇને તેના ઘર પાસે ઉતારવાની વાત કરી, બેસાડી દીધા હતાં. પરંતુ વૃધ્ધને તેના ઘર પાસે નહી ઉતારી થોડે દુર ઉતારી, અને માર મારવાની ઘમકી આપી, ડરાવી ધમકાવી, તેના ખમીસમાં પહેરેલ સોનાના ત્રણ બટન આશરે બે તોલાના જેની કિમત રૂપિયા 2,50,000 ના બળજબરી પુર્વક કાઢી લઇ જઇ, આરોપીઓ તેનુ મોટર સાયકલ લઇ નાસી જઇ ગયા હતાં. જે અંગે દુલાભાઇએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાય હતી.
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ભેદ ઉકેલવા અમરેલી એલ.સી.બી. ટીમને સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.ડી. ચાવડાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ત્વરિત કાર્યવાહી કરી ઉપરોકત ગુનામાં સંડોવાયેલ રાજુલા ગામે તત્વજ્યોતિ વિસ્તારમાં રહેતાં સુજલ ઉર્ફે હુડી રાજુભાઇ સોલંકી તથા સોનુ ઉર્ફે ભુરો કિશનભાઇ સોલંકી નામના આરોપીઓને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે લુંટમાં લઇ ગયેલ સોનાના ત્રણ બટન વજન 9.380 ગ્રામ, કિંમત રૂપિયા 1,21,000 તથા મોટર સાયકલ નં.જી.જે.01 એસ.કયુ.8392 કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 1,51,000 નો મુદ્દામાલ સાથે પકડી પાડી આ ગુનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.