ખંભાળીયામાં વૃઘ્ધનું હાર્ટએટેકથી મોત
ભાણવડમાં જુના મનદુ:ખનો ખાર રાખી યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જયારે ખંભાળીયામાં હાર્ટ એટેકથી વૃઘ્ધનું મોત નીપજયું છે.
અગાઉના મનદુ:ખનો ખાર રાખીને ભાણવડના યુવાન પર બે શખ્સોનો હુમલો
ભાણવડમાં એક હોસ્પિટલની પાછળના ભાગે રહેતા પ્રકાશભાઈ ભીખુભાઈ દેગામા નામના 20 વર્ષના યુવાન સાથે અગાઉ થયેલી માથાકૂટ બાબતનું મનદુ:ખ રાખી અને વિજયપુર ગામના હિત બંધીયા અને ભાણવડના જયરાજ ભરતભાઈ બંધીયાએ તેમને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
રાવલ અને ગઢેચીના બે શખ્સો વિદેશી દારૂ સાથે ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા સંજય હરદાસભાઈ જાદવ નામના 29 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 23,400 ની કિંમતની વિદેશી દારૂની 78 બોટલ સાથે તથા દ્વારકા તાલુકાના ગઢેચી ગામના હિતેશ લક્ષ્મણભાઈ ચાસીયા નામના 26 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 10,500 ની કિંમતની વિદેશી દારૂની 7 બોટલ સાથે ઝડપી લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ઓખામાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા કાર્યવાહી
ઓખાના ડાલ્ડા બંદર પાસેથી પોલીસે એક ફિશિંગ બોટમાં માછીમારી કરવા ગયેલા કપિલ રાજાભાઈ ચુડાસમા (ઉ.વ. 25, રહે. કોડીનાર- જૂનાગઢ) દ્વારા ફિશરીઝ વિભાગમાંથી ટોકન મેળવીને આ ટોકનમાં જણાવેલા વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ઓછો લઈ જઈ અને ટોકનમાંથી નામ ઓછું કરાવ્યા વગર અનઅધિકૃત રીતે દરિયામાં માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ, તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.