અહીં યાત્રીઓ માટે બેસવાની, પાણીની કોઇ વ્યવસ્થા ન હોવાની ફરિયાદો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના જૂના બસ સ્ટેન્ડ ખાતે રોડનું કામ શરૂ થતાં રોડ ખોદવામાં આવ્યો છે. આ કારણે બસ સ્ટેન્ડના તમામ મુસાફરોને અસ્થાયી રીતે સાવરકુંડલા પોલીસ સ્ટેશન પાસે બસમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેસર રોડ, મહુવા રોડ અને રાજુલા રોડ સહિતના વિવિધ વિસ્તારોના પેસેન્જરો અહીં ઊભા રહીને બસની રાહ જુએ છે. પરંતુ આ જગ્યાએ મુસાફરો માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી અને છાંયો પણ ઉપલબ્ધ નથી. કાળજાળ ગરમીમાં વૃદ્ધો, મહિલાઓ અને અન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂના બસ સ્ટેન્ડના રોડનું કામ પૂર્ણ થવામાં બે થી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે, ત્યાં સુધી મુસાફરોને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર મનજીભાઈ તળાવીયા વંડાએ આ અંગે યાદી આપીને જણાવ્યું હતું કે, “મુસાફરોને આ હાલાકીમાંથી બચાવવા તાત્કાલિક યોગ્ય બેસવાની વ્યવસ્થા, છાંયો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે.” તેમણે અધિકારીઓને અપીલ કરી છે કે, રોડનું કામ જલદી પૂર્ણ કરીને અથવા અસ્થાયી વ્યવસ્થા કરીને પેસેન્જરોની મુશ્કેલીનો અંત આવે. આ સમસ્યાનું નિરાકરણ શહેરના વિકાસ કાર્યો સાથે મુસાફરોની સુવિધાને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.