ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા એક સપ્તાહથી વીજ પુરવઠો ખોરવાઈ જતાં ખેડૂતોએ ઙૠટઈક કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવાની માંગ કરી હતી.
ગત અઠવાડિયે આવેલા મીની વાવાઝોડાને કારણે ધ્રાંગધ્રાના બાવળી ફીડર હેઠળના વિસ્તારોમાં અનેક વીજ પોલ અને વાયરોને નુકસાન થયું હતું. આ કારણે ખેડૂતોને સિંચાઈ માટે વીજળી મળી રહી ન હતી, જેનાથી પાકને નુકસાન થવાનો ભય હતો.
ખેડૂતોએ અગાઉ પણ વીજ તંત્રના અધિકારીઓને આ અંગે જાણ કરી હતી, પરંતુ માત્ર આશ્વાસન મળ્યા બાદ પણ વીજ પુરવઠો શરૂ ન થતાં તેઓ કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ પીજીવીસીએલ વિભાગ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
સ્થિતિની ગંભીરતા જોતા, પીજીવીસીએલ કચેરીના અધિકારીઓએ ખેડૂતોને શુક્રવારે બપોર સુધીમાં વીજ પુરવઠો શરૂ કરી દેવાની ખાતરી આપી હતી. આ ખાતરી બાદ ખેડૂતો વિખેરાયા હતા. જોકે, ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો શુક્રવાર બપોર સુધીમાં વીજ પુરવઠો શરૂ નહીં થાય તો તેઓ રેલી સ્વરૂપે ફરીથી આંદોલન કરશે.