જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા લેવાયેલા સેમ્પલો ફેઇલ : તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા
ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી બિનઆરોગ્યપ્રદ હોવાના અહેવાલો વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને આ અંગે પત્ર પાઠવી જરૂરી તાકીદ કરવામાં આવી છે. ખંભાળિયા તાલુકામાં પીવાના પાણી અંગે સંબંધિત તંત્ર દ્વારા જુદા જુદા સ્થળોએથી પીવાના પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. ખંભાળિયા નગરપાલિકા દ્વારા ઘી ડેમમાંથી તેમજ અન્ય સોર્સ દ્વારા શહેરમાં વિતરણ કરવામાં આવતા પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પાણીના રિપોર્ટમાં ઉપરોક્ત સેમ્પલો ફેઈલ થયેલ હોવાનું જાહેર થયું છે. જે અંગેનો રિપોર્ટ જિલ્લા કલેકટરને પણ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં આવા પાણીના કારણે ગમે તે સમયે રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવનાઓ વચ્ચે પાણીમાં ક્લોરીનેશનનું પ્રમાણ વધારવા તાકીદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની બોડીની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. અને થોડા દિવસો પૂર્વે જ અહીં વહીવટદારનું શાસન આવ્યું છે. ત્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવતી ખંભાળિયા નગરપાલિકાનું પાણી બિન આરોગ્યપ્રદ હોવાના અહેવાલો વચ્ચે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આ પાણીના લીધે રોગચાળો ન પ્રસરે તે હેતુથી સુપર ક્લોરીનેશન કરવા સહિતના પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. આ સમગ્ર બાબત હાલ ટોક ઓફ ટાઉન બની રહી છે.