Jai Hind

સોરઠ પંથકમાં આજ રામ આયેંગા: રામ જન્મોત્સવને વધાવવા થનગનાટ

જુનાગઢે અયોઘ્યાનો સર્જયો શણગાર, રામ ભકતો, હિન્દુ સંગઠનો દ્વારા યોજાશે વિવિધ કાર્યક્રમ

સોરઠનું પાટનગર જૂનાગઢના લોકોમાં રામનવમી ને લઈને જાણે વર્ષો પછી અયોધ્યામાં પ્રભુ રામ પધાર્યા હોય તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જુનાગઢ મહાનગર જાણે અયોધ્યા નગર બની ગયું હોય તેવો માહોલ સર્જાયો છે, સનાતની હિન્દુ શ્રદ્ધાળુઓ, રામ ભક્તો, વિવિધ સંગઠનો, વેપારી મંડળો દ્વારા રામનવમીના પાવન પર્વને દિવાળીની જેમ ઉજવવા માટે દિવસ-રાત એક કરીને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી, ભક્તિમય માહોલ ખડો કરવામાં આવ્યો છે.જૂનાગઢના ઈતિહાસમાં આ રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની બે અલગ અલગ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળશે, પ્રથમ શોભાયાત્રા આવતીકાલે તા. 26 માર્ચના રોજ બપોરના સમયે ઐતિહાસિક ઉપરકોટ સ્થિત પ્રાચીન રામજી મંદિરથી નીકળશે, જ્યારે બીજી શોભાયાત્રા સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા સાંજે 6 વાગ્યે ઝાંઝરડા ગામથી પ્રસ્થાન કરશે અને શહેરના હાર્દ સમાન સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થશે. જેમાં હજારોની સંખ્યામાં રામભક્તો જોડાશે. ઝાંઝરડા ગામથી પ્રસ્થાન કરનાર શોભાયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થવાની છે, ત્યારે આ શોભાયાત્રાના રૂટની બંને બાજુએ કેસરી ધ્વજ લગાવામાં આવી છે, વચ્ચે પ્રભુ શ્રીરામના મોટા કટ-આઉટ્સ મુકવામાં આવ્યા છે. તથા શોભાયાત્રા સમયે ઠેરઠેર ઠંડા પીણા, પાણી અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શોભાયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવશે, જય જય શ્રી રામના ગગન ભેદી નાદ સાથે યોજાનારી આ અલભ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક રામ ભક્તો જોડાશે.
જ્યારે જૂનાગઢમાં વર્ષોથી પરંપરાગત નીકળતી શોભાયાત્રા સાંજના 4:30 કલાકે ઉપરકોટ નજીક આવેલ પ્રાચીન રામજી મંદિરથી સંતો, મહંતો, રાજશ્રીઓની ઉપસ્થિતમાં પીયુષ બાવા દ્વારા આરતી આરતી ઉતારાયા બાદ પ્રસ્થાન કરશે, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી, કાળવા ચોક સ્થિત ગોદડ અખાડા ખાતે સંપન્ન થશે. શોભાયાત્રાના રૂટ ઉપર 20 જેટલા સ્વાગત ગેટ ઊભા કરવામાં આવ્યા છે. અને હિન્દુત્વને લગતા બેનરો મારવામાં આવ્યા છે. આ ઉપરાંત શોભા યાત્રાના રૂપ ઉપર વિવિધ સેવાભાવી સંસ્થા, વેપારીઓ, મંડળો દ્વારા પાણી, શરબત, છાશ અને વિવિધ પ્રસાદની સેવા આપવામાં આવશે. તે સાથે સંસ્થા દ્વારા 11000 જેટલા પંજરીના પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવશે.આ વર્ષની શોભાયાત્રામાં મર્યાદાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બાળકો મહિલાઓ આ શોભાયાત્રાના દર્શન સારી રીતે દર્શન કરી શકે તે માટે ડીજે અને તલવારબાજી જેવા સ્ટંટો બંધ રાખવામાં આવ્યા છે તે સાથે અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. ભગવાનની શાહી સવારી માટે એક ખાસ પાલખી તૈયાર કરાઈ છે. જેમાં 10 યુવાનો નક્કી કરેલા ફેસકોડ અને ધાર્મિક નિશાન સાથે જોડાશે. આ શોભાયાત્રામાં અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ જેવો ધર્મધ્વજ ચડાવાયો છે. તેવો જ ધર્મદંડ ધ્વજ સાથે જોડવામાં આવશે, આ સાથે ડીજેના ઘોઘાટના બદલે અન્ય રાજ્યમાંથી 30 સભ્યોની વિશેષ બ્રાસ બેન્ડ પાર્ટી આ શોભાયાત્રા માટે ખાસ બોલાવવા આવી છે, જે શોભાયાત્રા દરમિયાન મધુર સુરાવલિઓ રેલાવશે. જ્યારે આઝાદ ચોકથી કાળવા ચોક સુધી ભગવાનના અલગ-અલગ દશાવતારની જીવંત ઝાંખીઓ પણ દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કરશે. આ શોભાયાત્રામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતાઓને કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તરફથી આકર્ષક ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે. તેમજ શોભાયાત્રામાં જોડાનાર પ્રત્યેક યુવક મંડળને સંસ્થા તરફથી રૂ. 3000 નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

રામનવમીની પૂર્વ સંધ્યાએ 2500 દીવડાઓની મહાઆરતી
ભગવાન રામના પ્રાગટ્યની પૂર્વ સધ્યાએ આજે સાંજે આઝાદ ચોકથી લઈને કાળવા ચોક સુધીના વેપારી એસોસિએશન દ્વારા પુનિત શોપિંગ સેન્ટર પાસે અંધકાર દૂર કરી ઉજાસ ફેલાવવા અને નકારાત્મક ઉર્જાના નાશ માટે 2500 દીવડાઓ પ્રગટાવીને મહાઆરતી કરવામાં આવી હતી. આ સાથે આવતીકાલે નીકળનારી શોભાયાત્રામાં દિવસે યુવાનોનું એક વિશેષ મંડળ અયોધ્યામાં ભગવાનના પુનરાગમન જેવી આભા ઊભી કરતો જીવત પ્રસંગ ભજવશે. તથા દિગન નિરંજનની ટીમ અને ઓરકેસ્ટ્રા દ્વારા પુનીત શોપિંગ સેન્ટર પાસે ભગવાનની ભક્તિના ગીતો પર લાઈવ પરફોર્મન્સ પણ આપવામાં આવશે.
ઝાંઝરડા રોડ સવિશેષ રીતે શણગારવામાં આવ્યો: બે દિવસીય મહોત્સવ ઉજવાશે
ભગવાન શ્રી રામનો જન્મોત્સવ આ વર્ષે ઝાંઝરડા રોડ પર વિશેષ રીતે ઉજવવામાં આવી રહ્યો છે, બે દિવસીય આ મહોત્સવને લઈને ઝાંઝરડા રોડને સવિશેષ રીતે શણગારવામાં આવ્યો છે. કેસરી ધ્વજની હારમાળા રસ્તાની બંને બાજુએ કરવામાં આવી છે. વચ્ચે ભગવાન રામના મોટા કટ-આઉટ્સ ઊભા કરાયા છે. અહીં મૂકવામાં આવેલ 20 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાં ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ સાથે વિશાળ કદના ભગવાન શિવ, શ્રીનાથજી, શ્રીકૃષ્ણ અને ભારત માતાના કટ-આઉટ્સ પણ મુકવામાં આવ્યા છે.આજે 25 માર્ચની સાંજથી જ ઝાંઝરડા રોડ પરની તમામ ઈમારતો આધુનિક રોશનીથી ઝળહળી ઉઠી છે. ડિજિટલ લાઇટિંગ અને હાઈ-ટેક સાઉન્ડ સિસ્ટમ સાથે ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન થયેલ છે. આ કાર્યક્રમ તમામ રામ ભક્તો માણી શકે તે માટે માર્ગો પર વિશાળ એલઈડી સ્કીન પણ મુકવામાં આવી છે,
ઝાંઝરડા ગામમાં રામનવમીની ભક્તિસભર ઉજવણી
ઝાંઝરડા ગામના ગ્રામજનો દ્વારા આજે રાત્રે 8 કલાકે એક વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે એકતા અને સમરસતાનો સંદેશ આપશે. આવતીકાલે સવારે કીર્તન અને ભક્તિ સંગીતનો પ્રારંભ થશે. બપોરે 12 વાગ્યે જ્યારે પ્રાભુ રામનો જન્મ થશે, ત્યારે ભવ્ય મહાઆરતી કરવામાં આવશે. આ પ્રસંગે પ્રભુ રામને ભોગ અને અન્નકોટ ધરવામાં આવશે,