Jai Hind

શાપર-વેરાવળમાં સાળા-બનેવીએ વિદેશ જવાની ઘેલછામાં 10.53 લાખ ગુમાવ્યા

મકાઉ દેશમાં નોકરીની લાલચ આપી સુરતના એજન્ટે નાણા પડાવી લીધા

શાપરના સાળા-બનેવી સાથે રૂ.10.53 લાખની છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે. સુરતના શખ્સે એજન્ટ તરીકે ઓળખ આપી લાખો રૂપિયા પડાવી સાળા-બનેવી દંપતીને મકાઉ દેશમાં ત્રણ દિવસના ટુરિસ્ટ વિઝા પર મોકલી હવે ત્યાં તમારી રીતે નોકરીની વ્યવસ્થા કરી લેજો કહી હાથ ઉંચા કરી દેતાં બંને યુવાનો વિદેશમાં નિસહાય બની ગયા હતા. બાદમાં યુવાનોએ પરિજનોને વાત કરતા તેમની રિટર્ન ટિકિટની વ્યવસ્થા થતાં વતન પરત ફર્યા હતા. સમગ્ર મામલે શાપર પોલીસે ગુનો નોંધી સૂરતાના શખ્સની શોધખોળ શરૂ કરી હતી.
બનાવ અંગે શાપરના બુદ્ધનગરમાં સર્વોદય સોસાયટીમાં રહેતા 28 વર્ષીય યુવાન રવિભાઈ જીવાભાઈ પરમારે આરોપી તરીકે રમેશ રાઠોડ (સુરત)નું નામ આપી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ત્રંબા ગામે આવેલ બી.જી.ગરૈયા મેડિકલ કોલેજમાં કમ્પ્યુટર ઓપેરેટર તરીકે નોકરી કરે છે.
વર્ષ 2024 માં રોહિતભાઇના લગ્ન ખર્ચના કારણે પિતાજીને દેણુ થઇ ગયેલ હતું અને તેમની પાસે કોઇ સારો કામ ધંધો ન હોય જેથી ભારત દેશની બહાર વિદેશમાં જઈ કોઈ નાની-મોટી નોકરી કરી રૂપિયા કમાવવાનુ વિચારેલ હતું. જે બાબતે સાળા અલ્પેશભાઇ રમેશભાઈ ચાવડા(રહે. રાજકોટ)ને વાત કરતા તેણે કહેલ કે મારી પાસે પણ કોઇ કામ ધંધો નથી, જેથી મારે પણ તારી સાથે વિદેશમાં નોકરી માટે આવવુ છે. જેથી એજન્ટની શોધમાં હતા.
દરમ્યાન સુરતમાં રહેતા પિતાના સગા ભાણી ગીતાબેન સોલંકી મારફતે રમેશ રાઠોડ સાથે સંપર્ક થયેલ હતો. રમેશ સાથે વાતચીત થયેલ ત્યારે એજન્ટ તરીકેની ઓળખ આપી વાત કરેલ કે, હું લોકોને અલગ-અલગ દેશમાં ટુરીસ્ટ વિઝાના આધારે મોકલી તે દેશમાં સારી નોકરી અપાવી, વિદેશમાં કાયમી કરી આપવાનુ કામ કરૂ છુ. જેથી તેને કહેલ કે અમે ચાર વ્યક્તિઓ છીએ, અમારે ચારેયને રશિયા દેશમાં જવુ છે. ત્યારે રમેશએ 2શિયા દેશના વિઝા તથા ફલાઇટ ટિકીટો આપી તમે ત્યાં પહોંચો તેની સાથે જ રશિયાની સારી એવી હોટલમાં સારા પગારમાં તમારા બધાની નોકરી પાક્કી કરાવી આપીશ પરંતુ તેના બદલામાં તમારે એક વ્યક્તિ દિઠ રૂ. 3.50 લાખ આપવા પડશે તેમ વાત કરેલ હતી.
યુવાને આ બાબતે સાળા અલ્પેશભાઈ સાથે વાત કરી કુલ રૂ.70 હજાર ઓનલાઈ ટ્રાન્સફર કરેલ હતા. બાદ તા.09/02 ના રમેશ રાઠોડ શાપર ખાતે કોઇ લગ્ન પ્રસંગમાં આવ્યા હોય ત્યારે તેઓ ઘરે આવેલ હતા. તેમણે જણાવેલ કે, રશીયાના હાલ વિઝા મળી શકે તેમ નથી પરંતુ મકાઉ વિઝા ફ્રી દેશ છે, ત્યાં તમારે કોઈ વર્ક પરમિટની જરૂરીયાત નથી, ત્યાં મારા ઓળખીતા માણસો છે તેને કહી અગાઉથી જ તમારી બધાની નોકરી પાક્કી કરાવી આપુ છુ. ત્યાં પહોંચો તેની સાથે જ તમારા ચારેયની નોકરીની તમામ જવાબદારી મારા ઉપર અને તે માટે તમારે મને એક વ્યક્તિ દીઠ રૂ.2.90 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું.
જેથી આરોપીને કુલ રૂ.5,67,200 ફરીયાદી તેમજ પત્ની વર્ષાના તેમજ સાળા અલ્પેશભાઇ તથા તેમની પત્ની જાનવીબેનના મકાઉ દેશના વિઝા કરાવી ત્યાં નોકરી અપાવી પરમાનેન્ટ કરાવવા માટે ચૂકેવલ હતા.
બાદમાં આ રમેશભાઈએ ચારેયને મકાઉ દેશની ફ્લાઇટ ટિકીટો આપી કહેલ કે, તમારા ચારેયની મકાઉ દેશમાં નોકરી પાક્કી કરી આપેલ છે, ત્યાં પહોચતાની સાથે જ મારો માણસ આવી જશે તે તમારી બધી વ્યવસ્થા કરી દેશે તેમ ખાતરી આપી હતી. જેથી દિલ્હીથી બેંગકોક અને ત્યાંથી ગઈ તા.17 ના રોજ મકાઉ પંહોચેલ હતા. ત્યાં પહોંચી રમેશને ફોન કરતા તેમણે જણાવેલ કે, તમારૂ બાકી રહેલ પેમેન્ટ પહેલા પૂરૂ કરો ત્યારબાદ તમને ત્યાં કામ મળશે. જેથી તેને કહેલ કે, તમારા કોઈ માણસને મોકલી પેમેન્ટ લેવડાવી લો અથવા તમે કહો તે લોકેશન વાળી જગ્યાએ જઈ પેમેન્ટ કરી આપીએ. તો રમેશએ કહેલ કે, મારો કોઈ ઓળખીતો માણસ ત્યાં નથી.
જેથી તેને કહેલ કે, તો અમારી નોકરીનુ શું ? અમારે કયાં જવાનુ છે ? તેમ કહેતા તેમણે કહેલ કે, તે તમારી રીતે જોઇ લો તેમ કહી ફોન કાપી નાખેલ હતો. ત્યારબાદ આરોપીએ ફોન બંધ કરી દીધેલ હતો. જેથી બંને દંપતી અજાણ્યા દેશમાં નિરાધાર થઇ ગયેલ હતા. મકાઉમાં તેમને કોઈ ઓળખતું ન હોય અને ત્રણ દિવસના ટુરીસ્ટ વિઝા પણ પૂર્ણ થવા પર હોય યુવકે તેના મોટા સાળા આકાશભાઈને ફોન કરી બનાવની વાત કરતા તેણે પરત આવવા ફ્લાઇટ ટિકીટોની વ્યવસ્થા કરી આપતાં ચારેય લોકો તા.20/03/2026 ના રોજ વતન પરત ફર્યા હતા. જેથી આરોપીએ રૂ.10,53,500 પડાવી લઇ અજાણ્યા દેશમાં મોકલી નિરાધાર છોડી દેતાં યુવાને શાપર મથકે ફરિયાદ નોંધાવી હતી.