Jai Hind

અમરેલી બસપોર્ટે વિજબિલ ન ચુકવાતા જોડાણ કપાતા તમામ કામગીરી ઠપ્પ: અફડા-તફડી મચી

પંખા બંધ થતા યાત્રિકો પરસેવે રેબજેબ: એડવાન્સ બુકીંગની કામગીરી ખોરવાઇ ગઇ

અમરેલી શહેરમાં અંદાજે 45 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાસભર બસ પોર્ટ બનાવાયું છે. પરંતુ એસ.ટી.વિભાગના જવાબદાર અધિકારીની ઘોર બેદરકારીના કારણે આ એસ.ટી.બસ પોર્ટમાં વીજળીનું જોડાણ કપાઈ જતા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સુવિધાસભર બસ પોર્ટનું સંચાલન કરતાં કોન્ટ્રાકટર દ્વારા આશરે અઢી લાખ રૂપિયાનું વીજ બિલ ભરવામાં ન આવતા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પરિણામે બસ પોર્ટમાં ઉપલબ્ધ પંખા, પાણીના કૂલર સહિતની અનેક સુવિધાઓ બંધ થઈ જવાં પામેલ છે.
કાળઝાળ ઉનાળાના સમયમાં બસની રાહ જોતા મુસાફરો પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે. મુસાફરો માટે બનાવવામાં આવેલ વેઇટિંગ એરિયામાં પંખા બંધ હોવાથી ગરમીમાં ઉભા રહેવું કે બેસવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો માટે પરિસ્થિતિ વધુ કપરી બની છે. બસ પોર્ટમાં પીવાના પાણી માટે મૂકવામાં આવેલ કૂલર પણ વીજ પુરવઠો બંધ થતા કાર્યરત નથી. જેના કારણે મુસાફરોને પાણી માટે આમથી તેમભટકવું પડે છે. અથવા નજીકની દુકાનો ઉપર પીવાનું પાણી ખરીદવું પડે છે.
વીજળી કપાતા એડવાન્સ બુકિંગ કાઉન્ટર પરની કામગીરી પણ ઠપ્પ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ તેમજ નિયમિત મુસાફરો માટે આપવામાં આવતા પાસ કાઢવાની પ્રક્રિયા પણ બંધ થઈ ગઈ છે. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ અને મુસાફરોને અનાવશ્યક હેરાનગતિ ભોગવવી પડી રહી છે. કેટલાક મુસાફરોને તાત્કાલિક મુસાફરી માટે ટિકિટ મેળવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે.
આ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કે જવાબદાર તંત્ર દ્વારા સમયસર બિલની ચુકવણી અથવા વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હોત તો આવી પરિસ્થિતિ સર્જાત નહીં. મુસાફરો અને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક વીજ પુરવઠો ફરી શરૂ કરી બસ પોર્ટની સુવિધાઓ કાર્યરત કરવાની માંગ ઉઠાવી છે.
એસ.ટી. નિયામકને ખબર પણ નથી
અમરેલીના વિભાગીય નિયામક પટેલ અને અમરેલીના ડેપો મેનેજર દવેએ જણાવ્યું કે, અમરેલી એસ.ટી.ડેપોનું વીજ જોડાણ કપાયું હોય તો તેની અમને જાણ નથી. પરંતુ આ મુદ્દે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.